પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
122
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

ખંખેરી દોડતો, ભર્યે શ્વાસે ચાલ્યો આવે છે. મોંમાં ‘શેણી ! શેણી ! શેણી !’ સિવાય બીજો શબ્દ નથી.

બરફની ઊંચી દીવાલોવાળા એ ગાળામાંથી, ઝાંખે ઝાંખે અજવાળે જેમ કોઈ બે ઓળા પડ્યા હોય તેમ બંનેએ એકબીજાને નિહાળ્યાં; જંતરવાળો જુવાન નીચે ભેખડ ઉપર અને હાડગાળતી શેણી ઊંચે બરફના કુંડમાં.

દૂબળા પડી ગયેલા અવાજે શેણી બોલી: “ચારણ ! આવી પહોંચ્યો ?”

“પહોંચ્યો છું, મારા પ્રાણ ! એક જ દિવસનું મોડું થયું. પણ તારા બાપને એકસો ને એક પૂરી નવચંદરિયું ગણી દીધી છે, શેણી ! હવે હાલો હાલો, ઓઝતને કાંઠે ખોરડાં કરીએ.”

“હવે તો વૈતરણીને કાંઠે ખોરડાં કરશું, વહાલા !”

“શેણી ! ઓ શેણી ! શું થયું ?”

ઉપરથી પડછાયો બોલે છે :

હાડાં હેમાળે, ગળિયાં જે ગૂડા લગે,
વિજાણંદ વળે, ઘણમૂલા જાને ઘરે.

[હે મહામૂલા વિજાણંદ, મારાં હાડકાં ગોઠણગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયાં. માટે હવે તો, હે મહામૂલા વહાલા, તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.]

“પગ ઓગળી ગયા ? ફિકર નહિ ! –”

વળવળ વેદાની, (તું) પાંગળી હોય તોય પાળશું,
કાંધે કાવડ કરી, (તને) જાત્રા બધી જુવારશું.

[ઊભી થા, પાછી વળ, ઓ વેદાની પુત્રી, તું લૂલી થઈ ગઈ હોઈશ તોપણ હું તને કાવડમાં બેસારી, મારી કાંધ પર ઉપાડી, અડસઠે તીર્થોની યાત્રા કરાવીશ. પાછી વળ, ઓ પ્રાણાધાર, પાછી વળ !”]

“ના, વિજાણંદ ! હવે પાછી નહિ વળું –

વળું તો રહું વાંઝણી, મૂવા ન પામું આગ,
આલુકો અવતાર, વણસાડ્યો વિજાણંદા !