પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળાપણની પ્રીત
123
 

 [હવે જો હું પાછી વળું, તો મારે તારી સાથે શરીરસંબંધ ન થઈ શકે, ને પુત્ર વિના મને મરતી વેળા કોણ અગ્નિ મૂકે ? એટલે આવતો જન્મ પણ બગડે, માટે હવે આ એક જ જન્મ વણસ્યો તેટલું બસ છે.]

“પાછી વળ ! પાછી વળ !” એવા પોકાર ઊઠ્યા.

“હવે હું તારા કામની નથી રહી, વિજાણંદ ! કેમ કે હવે તો –

ગળિયું અરધું ગાત્ર, અરધામાં અરધું રિયું,
હવે મસળતા હાથ, વિજાણંદ, પાછા વળો !”

[હે વિજાણંદ, હવે તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છે. હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા]

ફરી વાર એ ધુમ્મસઘેરી ભેખડ પરથી દૂબળો અવાજ આવ્યો : “પણ ચારણ ! છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતાં મરતાં એક વાર તારું જંતર સાંભળવું છે.

વિજાણંદ, જંતર વગાડ, હેમાળો હલકું દિયે,
મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે.

“એક વાર બજાવી લે.”

ખંભેથી બીન ઉતારીને ચારણે ટેરવાં ફેરવ્યાં. ઝાંખે અજવાળે વાજિંત્રના સૂર રડવા લાગ્યા. અંધારું કંપી ઊઠ્યું. હિમાલય પહાડ હોંકારા દેવા લાગ્યો. દૂર દૂર નીચાણે સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો થંભી ગયા, અને માછલીઓ એ ગીત સાંભળવા ટોળે મળીને પાણી ઉપર પોતાના ચળકતાં મોં રાખી ઊભી રહી.

વાજિંત્ર વાગે છે : અને ગીતને તાલે તાલે બરફમાંથી ‘રામ ! રામ ! રામ ! રામ !’ એવા જાપ બોલાય છે. જાપ જપાતા રહ્યા ને જંતર બજતું રહ્યું. એક તરફથી રામનામના અવાજ ધીરા પડવા લાગ્યા. બીજી તરફથી જંતરના તાર વધુ ને વધુ જોરથી ઝણેણાટી દેવા લાગ્યા. આખરે રામનામના ઉચ્ચાર અટકી ગયા ને ભેખડ ઉપરથી એક ધડાકો થયો. બેભાન જંત્રીના હાથમાંથી જંતર નીચે પછડાયું.