પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
124
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



જંતર ભાંગ્યું જડ પડી, તૂટ્યો મોભી ત્રાગ,
વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.

[વાજિંત્ર પટકાઈ ગયું. અંદર ચિરાડ પડી ગઈ. એનો મુખ્ય તાર તૂટી પડ્યો. વેદા ચારણની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા; એટલે હવે વીણાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો.]

અને –

ભૂખે ખાધું ભાત, પેટ ભરી પામર જીં,
શેણી જેવો સંગાથ, મેલીને વિજાણંદ વળ્યો.

[શેણી જેવા સંગાથને હિમાલયમાં વળાવી વિજાણંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો. અને જીવતર કર્યું ત્યાં સુધી પામર માનવીની પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો.]

[કેટલાક ચારણો એમ કહે છે કે શેણીને વિજાણંદ ઉપર પ્રીતિ હોવાની વાત બનાવટી જ છે, શેણી તો જોગમાયાનો અવતાર હતી અને એણે તો પોતાના પિતાને બાલ્યાવસ્થાથી જ કહી શખેલું કે ‘મારો સંબંધ કરશો જ નહિ’ તેથી પોતે વિજાણંદથી બચવા માટે જ હિમાલય નાસી ગયેલી.

મેં તો આ વાર્તામાં બંને પક્ષનો પ્રેમ હોવાની હકીકત સ્વીકારી છે, તે આ પ્રાચીન દુહાઓ પરથી. ન પરણવાનો નિશ્ચય હોવા છતાં પણ શેણીને વિજાણંદ પર વહાલ ઊપજ્યું, એ તો ઊલટું એની પ્રીતિની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરે છે. અને આવા પરમ પવિત્ર પ્રેમાવેશથી તો એનું સતીપણું અથવા જોગમાયાપણું ઊલટું વધુ ઉજ્જ્વળ બને છે. બીજી અનેક ચારણ સતીઓ પણ પરણેલી હતી જ.

ભાંચળિયા ચારણોને આજે પણ ભરવાડોના વિવાહ વખતે કોરી (પાવલી) મળે છે તેઓ ભરવાડને જ માગે છે. લોકકથા એવી છે કે હિમાલયમાં વિજાણંદ પોતાની જોડે મરવા ન બેસી શક્યો તેથી શેણીએ શરાપ્યો કે “જા, ભરુ ભડકાવતો રે’જે.” બીજી લોકકથા એવી છે કે શેણીબાઈ સાથે હિમાલયમાં જવામાં ભેગો ખીમડ નામનો રાવળ હતો. તે પણ પાછો ફરી ગયો. એટલે શેણબાઈએ એને કહ્યું કે હે હૈયાફૂટા ! ત્યારથી રાવળ બહુ ભુલકણા હોય છે. તેમનાં લગ્નોમાં ‘શેણી-ખીમડની ઘઉંની ઘૂઘરી’ વહેંચવાનો રિવાજ છે.]

[આ કથાના બધા દુહાઓ લેખકના પુસ્તક ‘સોરઠી ગીતકથાઓ’માં આપ્યા છે.]

🐦🙕❀🐦🙕❀🐦