પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહના ચૂરા
131
 

તજી દીધાં. મહુવા[૧]ની બજારે હટાણું કરવાનું ધુંવાસને ડુંગરથી છેટું થઈ પડ્યું. એટલે વારે વારે ઘી વેચવા ને કપાસિયા લેવા રાણો ભેરાઈ[૧]બંદરે જવા લાગ્યો.

રાણો કે’ રહિયું નહીં તનડું ટેક ધરી,
કફરા જોગ કરી, હાથેથી હળવું પડ્યું.

મનની ટેક ન રહી શકી. કુંવરને જોવામાં પણ પાપ છે એવો નિરધાર કરી બેઠેલ પ્રેમી પાછો નબળો પડી, વિટંબણાઓ વેઠી કુંવરને મળવા ગયો, અને પોતાની મેળે જ હલકો બન્યો. અને થોડા વખત પછી એક દિવસમાં ભેરાઈ જઈને રાણાએ શું જોયું ?

જીવ ઢંઢોળે ઝૂંપડાં, જૂને નેખમ જાય,
ખોરડ ખાવા ધાય, મન વાર્યું વરે નહિ.

જઈને જુએ ત્યાં તો ઉજ્જડ પડેલાં, જૂના નેસડામાં રહેનારાં ભેરાઈવાળાં આહીરિયાં ત્યાંથી ઉચાળા ભરીને ઊપડી ગયાં હતાં. કોઈએ કહ્યું કે આખો કબીલો ઉચાળા ભરીને સાણાને ડુંગર ગયો છે. રાણો પોતાની થાકેલી ભેંસોને ફોસલાવી-પટાવી હાંકતો હાંકતો સાણાના ડુંગરની ગાળીએ ગાળી ગોતી પથરે પથરે ભમ્યો પણ –

કાગા જમત હે આંગણે, ખનખન પથારા,
સાણા, સાજણ ક્યાં ગિયાં, મેલીને ઉતારા ?

ત્યાંયે એ છિન્નભિન્ન થઈ ગયેલા ઝૂંપડાને આંગણે કાગડા ચણી રહ્યા છે. બાકી બધું ઉજ્જડ, નિર્જન છે. રાણો સાણા ડુંગરને પૂછે છે, ‘હે ભાઈ, આ ઉતારા છોડીને મારાં સ્વજનો ક્યાં ચાલ્યાં ગયાં ?’

સામે મશ્કરી કરતો હોય તેમ સાણો ડુંગર પડઘો કરી બોલ્યો : ‘ચાલ્યાં ગયાં !’

રાણો ત્યાંથી આગળ ચાલ્યો. વિકરાળ મધ્યગીરમાં પેઠો. રૂપેરી પાલવને જંગલમાં ફરકાવતી રાવલ નદી વાંકા-ચૂંકા વળાંક લેતી, ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈને ચાલી જાય છે. એને રાણો પૂછે છે :


  1. ૧.૦ ૧.૧ જૂનાગઢનું ગામ.