પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
134
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે,
આવ્યું આંટો લે, રોતું મન રાણો ભણે.

સાણામાં દિલ જંપ્યું નહિ. ત્યાંથી બે ગાઉ ધુંવાસનો ડુંગર આવ્યો. ત્યાં પગ થંભી ગયા, અને કુળલાજ વારેવારે આડી આવીને ઊભી રહેવા લાગી. છેવટે એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કરી, રાણાનું રડતું હૃદય, સીધેસીધું નહિ પણ આંટા લેતું, અચકાતું અચકાતું, જોરાવરીથી ખેંચાતું ખેંચાતું, આખરે નાંદીવેલામાં આવ્યું.

આહીરોએ રાણાને નાંદીવેલે રઝળતો દીઠો. મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો, અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો.

રાણો ‘કુંવર !’, ‘કુંવર !’, ‘કુંવર !’ એવા જાપ જપે છે, અને ચોમાસાનાં વાદળાં ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તૉરમાં ને તૉરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે –

કુંવર ઊછળે તો મર ઊછળ, (તું) શીદ ઊછળછ સાણા,
કુંવરને કાલ્ય મનાવશું, (તું) પડ્યો રે’ને પાણા !

[હે પથ્થર, હે નિષ્ઠુર, કુંવર મારાથી રિસાઈને આમતેમ કૂદકા મારતી નાસે છે. એને તો કાલે જ મનાવી લેશું, પણ એમાં તું શીદ ઉછાળા મારે છે ?]

કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા છે. ક્યાંયે અંતર ઠાલવી શકાતું નથી. વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સડસડી રહી છે. એમ કરતાં કરતાં કુંવરનાં આહારપાણી પણ ઓછાં થઈ ગયાં. પરણીને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી, એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું.

સ્વામી પૂછે છે: “આ શું થયું ?”

કુંવર કહે છે : “ શી ખબર ?”

સ્વામીએ શરીર તપાસ્યું. અબુધ માણસે રોગ પારખ્યો : વહુને સારણગાંઠ થઈ છે !