પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહના ચૂરા
137
 

છે. હવે પોતાના પ્રાણ ઝાઝા દિવસ ટકશે એવી એને આશા નથી. પોતાની પથારી વીંટીને બેઠેલી ભેંસોને પોતે હાથ જોડીને વારંવાર વીનવે છે કે માતાજિયું ! હવે તમે તમારે માર્ગે ચડી જાઓ, કોઈ ઘરધણીનો આશરો. ગોતી લ્યો. હું તો હવે તમને સાચવી નહિ શકું.’

પણ ભેંસો તો આઘેરી ચરવા પણ નથી જાતી. એનો ચારનારો પથારીએ પડ્યો છે. એને કોઈ ગીરનું પશુ ઈજા ન કરી જાય તે માટે તો ભેંસો આઠેય પહોર ચોકી કરે છે.

રાત પૂરી થવા આવી છે. ચાંદરડાં હજુ આથમ્યાં નથી. રાત્રિ જાણે કોઈ જુગજુગની વિજોગણ હોય અને એના કાળા ભમ્મર કેશ વીખરાઈ પડ્યા હોય એવું અંધારું આખી ગીર ઉપર પથરાયું છે. એવે પરોડિયે જાણે તારોડિયા, ઝાડવાં ને ડુંગરા એ સૂતેલા રબારીના કંઠની સરજુઓ સાંભળવા માટે ટાંપીને બેસી રહ્યાં છે. પણ સરજુના સૂર તો સુકાઈ ગયા છે. કુંવર ! કુંવર ! કુંવર ! એવા ઉચ્ચાર ચાલે છે, અને સૂતેલા રાણાને કાને કાગાનીંદરમાં ભણકારા આવે છે: “રાણા ! રાણા ! રાણા !”

ઝબકીને જાગ્યો: “કોણ ઈ?”

સામે હાડપિંજરે જવાબ દીધો: “હું કુંવર !”

બન્ને જણાં સપનામાં હોય તેમ સામસામાં મીટ માંડી રહ્યાં. જુએ છે, પણ મનાતું નથી: અર્ધ અજવાળે અને અર્ધ અંધારે બે હાડપિંજરો સૂમસામ ઊભાં રહ્યાં.

પરોઢની કિરણ્યો ઊઘડી. બે ઓળા હતા તે અજવાળે ચોખ્ખા દેખાણા. રાણાએ કુંવરનું ઉઘાડું, ઓઢણા વિનાનું અંગ દીઠું.

“અરર ! કુંવર, આ શું !”

(તારી) દેહડી ઉપર ડામ, ચભાડી કોણે ચોડિયાં?
કિયા વેરીનાં કામ, કાયા બગાડી કુંવરની.

[તારા ફૂલ સમા દેહ ઉપર, ઓ ચભાડ જાતના આહીરની દીકરી, આ ડામ કોણે દીધાં? એવો કયો વેરી વૈદ્ય મળ્યો કે તારી કાયા બગાડી?].

“અને રાણા ! તારે શરીરે આ શું થયું?” આંસુભરી આંખે કુંવરે પૂછ્યું.