પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ભૂત રૂવે ભેંકાર

નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ ! ઠમ ! ઠમ ! પડતો હતો, અને નીચાં ઘરનાં નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં નીચે ખાબોચિયામાં પડીને ટપક ! ટપ ! ટપક ! ટપ ! એવા ભાતભાતના સૂર કાઢી કાંઈક વાતો કરતાં હતાં. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે –

"ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો.”

“શું ચમત્કાર?”

"કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચીંથરેહાલ ચારણ, વાર્તા-કવિતા તો કાંઈ આવડે નહિ, પણ ગામેતી જેવો આયર તે ક્યાંઈક થાવો છે, બા? સહુને આપે તેમ એને પણ શીખ આપી : ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રે'તું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો : એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈને પડખેના ગામડામાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો. ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીકઠીક જામી ગયું અને નાડ્યું તૂટતી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો. થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવાં ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું: ‘લ્યો ગઢવા!’

ગઢવો: ‘આ ક્યાંથી, બાપ?’

આદમી કહેઃ ‘કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે.’

140