પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂત રૂવે ભેંકાર
141
 

 ચારણે તરત જ અફીણ ખાધું : જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ : શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાળે આવ્યો : ગામેતીને પગે પડીને બોલ્યો: ‘બાપ, ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો ! મને આજ નવું જીવતર દીધું.’

ગામેતી અચંબો પામીને કહે : ‘કેમ ભાઈ ?’

‘બાપ ! મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું, એ તો તું વિના બીજો કોણ કરે ?’

‘ના, ભાઈ ! અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને ! કોણ આવ્યું’તું?’

‘અરે, બાપ ! ધોળે લૂગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો, ને તમારું નામ લીધું !’

સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી આટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો !’

“આવો ચમત્કાર બન્યો, ભાઈ !”

“ઓહોહોહો ! હજીયે શું માંગડા વાળાનો છુટકારો નહિ થયો હોય ?” માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા.

બીજાએ વળી જવાબ દીધો : “એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ ! વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ? ગજબની વાસના હતી માંગડા વાળાની.”

અજાણ્યાએ સવાલ કર્યો : “એ શી વાત હતી, ભાઈ ? માંગડો વાળો કોણ ? ક્યાંનો ?”

“માંગડો વાળો આપણી ધાંતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠા વાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા ઈ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.”

એમ થાતાં તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર ઉપર ઝણેણાટી બોલાવતાં એ વાતડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા :