પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂત રૂવે ભેંકાર
143
 



અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત,
પૂરવ ભવની પ્રીત, મળિયાં તમસું માંગડા !

[હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાતજાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધાં છે.]

માટે –

માઢ ઉપર માંડેલ છે, પીતળિયા પાસ,
(એની) સોગઠિયું સગા, મારતો જા તું માંગડા !

[હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એક વાર ઉપર આવી, દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.]

“ના, ના, પદ્માવતી ! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વારે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહિ. પણ તું વાટ જોજે. હમણા પાછો વળું છું. પછી રમી લેશું.”

ઘોડો દોડાવી મૂક્યો. ગયો ! ગયો ! ત્રીસ-ત્રીસ ગાઉનો પંથ કાપી નાખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો.

જીવતો પાછો જા, વઢિયાની વેળા નહિ,
રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.

[ચાડવો કહે છે કે “એ જુવાન, તું પરગામથી પરોણો આવેલ કહેવાય. તારે હજુ લડવાની ઉમ્મર નથી થઈ. તું રોળાઈ જઈશ તો તારી મા રોશે. માટે જીવતો પાછો વળી જા !”]

પણ ત્યાં તો –

કળકળતો કટકે, હાકોટે હબક્યો નહિ,
અહરાણ હૂકળતે, મચિયો ખાગે માંગડો.

[ચાડવા કાઠીના હાકલા-પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો.]