પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂત રૂવે ભેંકાર
145
 



સોડ્યું લાવો સાત, માંગડાના મોસાળની,
કરો મા કલ્પાંત, મારે ઊભી પદ્માવતી.

માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પાવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે.

પદ્માવતી શું બોલે છે ? –

મારા પંડ પર કોઈ, રાતા છાંટા રગતના,
રિયા જનમારો રોઈ, મીટે ન ભાળું માંગડો.

[મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે ! મને એવાં અપશુકન મળ્યાં હશે ! એવી હું અભાગણી ! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.]

ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂછોવાળો રજપૂત ગામધણી અરસી વાળો વોળાવિયો બનીને આવ્યો છે. વડલાની ડાળ નીચે અરસી વાળો બેઠો છે, તે વખતે ટપાક ! ટપાક ! ટપાક ! વડલા ઉપરથી કંઈક ટીપાં પડ્યાં !

અરે! આ શું ? આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મે’ ક્યાંથી ? ના, ના, આ તો ટાઢા નહિ, બરડો ખદખદી જાય એવા ઊનાં પાણીનાં છાંટાં : અરે, ના રે ના ! આ પાણી નો’ય ! આ તો કોઈનું ધગધગતું લોહી !

વોળાવિયો ક્ષત્રિય અરસી વાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી :

“કોણ છો?”

“ભૂત છું !”

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે,
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

[હે રજપૂત, સંસારનાં માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે. પરંતુ આ તો ભૂતનાં રુદન; ભયંકર રુદન; હૈયાનાં લોહી નીતરી