પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
4
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

વાઘનખ લઈને આવ્યો. “આ લે, બેટા, અમારી ભાણેજ થાય એને ગળે પહેરાવજે. મેં તો કૈંક વરસો થયાં દીપડો મારીને કાઢી રાખેલ – તારે ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ; પણ સૂરજે એ સાવઝના નખ પહેરનારો નહિ સરજ્યો હોય... હશે! હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પેરાવજે, હો !”

માનો જણ્યો ભાઈ એ વખતે હીરબાઈને સાંભરી આવ્યો: આજ ભોજાઈ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગૂંથી દસેય આંગળીએ ટાચકા ફૂટે એવાં મીઠડાં લઈ સાસરીયે વળાવનાર કોઈ ન મળે ! અને બાપનું ભાણું દસ વરસથી પોતે સાચવેલું, તેનું હવે જતન રાખનાર કોઈ ન રહ્યું. હીરબાઈએ એકાંતે આંસુ ઠાલવ્યાં.

પચીસેક ગાડાંની હેડ્યો ભરાઈ ને કરિયાવર તૈયાર થયો. હીરબાઈએ નાહીધોઈ, આણાતને અરઘે તેવાં વસ્ત્રાભૂષણો સજી, રૂપનીતરતાં અંગને જાણે સોનેરૂપે મઢી લીધું. માવતરના ઘરને છાંયડે ફરી વાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી. ગાયો-ભેંસો એને બહુ વહાલી હતી. એટલે જઈને પશુડાંને ગળે બાઝી પડી; પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયાં હોય તેમ મોમાંથી ખડનાં તરણાં મેલી દઈ હીરબાઈના હાથપગ ચાટવા લાગ્યાં.

"બાપુ, આ વોડકી વીંયાય ત્યારે મને બળી ખાવા બોલાવજો, હો ! નીકર બોઘરું ભરીને ખીરું મોકલજો.” હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી.

“અરે બેટા, બોલાવવાની વળી કોને ખબર છે? તારા ભેળી ગાડાને ઠાઠે બાંધતી જ જા ને, બાઈ !”

એમ કહીને બાપુએ વોડકી પણ પુત્રી ભેળી વળાવી.

આગળ દીકરીનું વેલડું : પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બઢ્ઢો બાપ અને પાછળ કરિયાવરનાં પચીસ ગાડાં: એવી આખી અસવારી ચાંપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડિયે ચાલતી થઈ. હીરબાઈ તો ચાંપરડાનો હીરો હતી, એ અરધું ગામ એને વળાવવા હલક્યું છે. એક બાજુ અઢાર વરસની યૌવનમસ્ત કાઠી કન્યા રેવાળ ચાલે ઘોડી