પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂત રૂવે ભેંકાર
151
 


ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણક્યા જ કરે છે; જંપ લેતો જ નથી.

મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી જ નહિ. વિચારમાં પડી ગયા. ભળકડાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ.

સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. નજર કરે, તો ન મળે દરબારગઢ, કે ન મળે ઢોલિયા ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે.

તાજુબ થઈને બેય બહારવટિયા ચાલી તો નીકળ્યા; બેઉનાં કલેજાં થડકી પણ ગયાં, પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો: “ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જશું !’

“સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.”

રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા. એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી.

વાળુ કરી ઊભા થયા. એટલે બેય મુસાફરો એ જુવાનની આડી ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું: “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણક્યા કરો છો કેમ ?”

“તમને એ જાણીને શો ફાયદો છે ?”

“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહિ તો જીવતર શા ખપનું છે ?”

“જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો : “જુવાનો ! ડરશો નહિ ને ?”

“ડર્યા હોત તો પાછા શીદ આવત ?”