પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સુહિણી-મેહાર

સિંધુ નદીના કિનારા ઉપર કેડ્ય કેડ્ય સમાણા ઊંચા ઘાસમાં ભેંસો ચરતી હતી ને ભેંસોનો જુવાન ગોવાળ ઝાડવાંની ઘટામાં બેઠો બેઠો વાંસળી વગાડતો હતો. એનું ખરું નામ સાહડ હતું.

એ ક્યાંથી આવ્યો છે ને એનાં મા-બાપ કોણ છે તેની ખબર કાંઈ પડતી નહિ. ગામનાં લોકો એને ‘મેહાર’ કહીને જ બોલાવતાં. મે-હાર એટલે ભેંસોનો ગોવાળ [૧]. તોલા કુંભારની જુવાન દીકરી સુહિણી એને ‘નબાપો’ કહીને ઘણી ઘણી વાર મેણાં દેતી. મેહારને એ મુખનાં મેણાં મીઠાં લાગતાં.

મોં દેખાય એવી ઊજળી ઊટકેલી તાંબડી હાથમાં ઉલાળતી ઉલાળતી સુહિણી એક દિવસ બપોરે આવીને સિંધુ નદીના કાંઠા ઉપર બંસીની મોજ માણતા મેહારને બૂમો પર બૂમો પાડવા લાગી: “મેહાર ! ઓ મેહારડા !”

બેઘડી તો મેહાર સાંભળતો નથી. વાંસળીના તોરમાં એ બેધ્યાન છે. ઝાડની ડાળીએથી મેહારના પગ લટકતા હતા તે સુહિણીએ ઝાલી લીધા. પગ ખેંચાતાં જ મેહારને ભાન આવ્યું. સુહિણી બોલી: “હેઠો ઊતરછ – કે ટાંટિયો ઝાલીને નીચે પછાડું?”

મેહાર શરમિંદો બની ગયો. કૂદકો મારીને નીચે ઊતર્યો. પોતે બરાબર કોઈ અડબૂત ભરવાડનો પાઠ ભજવવા મથતો હોય તેમ રુઆબ કરીને બોલ્યો: “શું છે તે અટાણે ચોરને કાંધ મારવાની વેળાએ સંતાપી રહી છો?”

“ઘેર પરોણા આવ્યા છે, એને માટે એકાદી ભેંસની બે શેડ્યું પાડી દે જલદી.”

“પણ ભેંશું. તો બહુ છેટી ગઈ છે. જા, તું એને પાછી વાળી આવ.”


  1. 1. આજે પણ ચારણી ગુજરાતીમાં ‘મેયુ’ શબ્દ ભેંસોને માટે વપરાય છે.

156