પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુહિણી-મેહાર
157
 


“મારી તો જાય ભૂખરાત ! હું પટલની દીકરી ભેંસો વાળવા જાઉં, એમ કે? તો પછી તને મારે બાપે શું પાટલે બેસાડીને પૂજવા રાખ્યો છે? જા ઝટ ભેંસ વાળી આવ, નીકર રાતે વાળુ નહિ મળે.”

મેહારે ચારે તરફ નજર કરી, પણ ભેંસો ઊંડા ઘાસમાં ગાયબ થઈ ગઈ છે. સુહિણી બોલી: “દેને વાંભ ! હમણાં નીકળી આવશે હશે ત્યાંથી.”

માથું ખંજવાળીને મેહાર ઊભો રહ્યો: “વાંભ દેતાં તો મને નથી આવડતી !”

“ફટ્ય રે ફટ્ય, મેહારડા ! વાંભ દેતાં નથી આવડતી ત્યારે મેહાર થયો જ શા સારુ? ડૂબી મરને !”

એટલું કહીને સુહિણીએ પોતે જ કાનમાં આંગળી નાખી સીમાડા સુધી સંભળાય તેવો લાંબો, મોરના ટૌકા સરખો સાદ દીધો. ઘડી વારમાં તો ઊંચા ઘાસમાંથી ભેંસો બહાર નીકળીને રણકા કરતી દોડી આવી.

“લે, હવે દોહી દે.” ખસિયાણો પડીને મેહાર ઊભો રહ્યો.

“અરર !” સુહિણીએ કહ્યું: “મેહાર થઈને દોતાં ન આવડે? ધૂળ પડી તારા જીવતરમાં!”

પોતાને હાથે જ સુહિણીએ સાજણી ભેંસને દોહી લીધી. એક જ આંચળની શેડ્યો પાડતાં તો તાંબડી છલોછલ ભરાઈ ગઈ. ફીણના ફંગર ચડ્યા. તાંબડી માથા પર મેલીને મસ્તીખોર સુહિણી ગામમાં ચાલી ગઈ. ચાલતાં ચાલતાં બોલતી ગઈ કે “મેહારડો બોઘો ! મહારડો મૂરખો ! એને ન આવડે વાંભ દેતાં કે ન આવડે દોતાં !”

સિંધી કુંભારની એ કદાવર કુમારિકાનો સાદ, એના હસવાનો અવાજ અને એનાં પગલાંનો ધમધમાટ, મેહાર નામધારી વિદેશી તાજુબ બનીને સાંભળતો સડક થઈ રહ્યો. સુહિણીની ગાળો તો સદા ઘીની નાળી જેવી જ લાગતી. સુહિણી જે દિવસ ગાળો દઈ જતી તે દિવસ મહારને શેર લોહી ચડતું.

સુહિણીને મેહાર પર બહુ જ અનુકંપા આવતી, કેમ કે ગોવાળ તરીકેનાં તમામ કામકાજમાં મેહાર એટલી બધી કસૂરો કરતો કે સુહિણીનો