પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કરિયાવર
5
 

ખેલવતા પોતાના કંથને નિહાળીને આવતી કાલથી મીઠો ઘરસંસાર માંડવાના મનોરથને હીંડોળે હીંચે છે... અને બીજી બાજુ બુઢ્ઢા, બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી, એના ગરભને ઘીમાં ચોળી, તાણ કરી કરી કોણ ખવરાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ-હીંડોળાને છેદી રહી છે.

દાદાને આંગણે આંબલો,
આંબલી ઘોર ગંભીર જો!

એક તે પાન દાદા તોડિયું,
દાદા, ગાળ નો દેજો જો !
 
અમે રે લીલા વનની ચરકલી,
ઊડી જાશું પરદેશ જો !
 
આજ રે દાદા કેરા દેશમાં
કાલે જાશું પરદેશ જો !

એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી, એટલે હીરબાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઊતર્યા. હીરબાઈએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભરભલામણ પણ દઈ લઉં. એવી ઈચ્છાથી એણે જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી. છતાં ઓશિયાળું હાસ્ય આણીને એણે પોતાના કાકા-પિતરાઈ ભાઈઓનાં છેટેથી ઓવારણાં લીધાં.

“કાકા, મારા બાપને સાચવ –”

એટલું વેણ પૂરું નથી થયું તો બન્ને જુવાનો બોલ્યા: “ગાડાં પાછાં વાળો.”

"કાં, શીદ પાછાં વળાવો છો?” બુઢ્ઢાએ પૂછ્યું.

"તું નિર્વંશ છો, ડોસા ! અમે કાંઈ નિર્વંશ નથી. અમે કાંઈ મરી નથી પરવાર્યા, તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રિયો છો !”

“અરે ભાઈ, મારે એકનું એક પેટ, એને આજ નથી મા કે નથી