પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુહિણી-મેહાર
159
 

કરીને આ હિન્દોસ્તાંની અંદર મોગલ પાદશાહની મુલાકાતે નીકળ્યો હતો. સફરમાં તકદીર મને આંહીં ખેંચી લાવ્યું. મુસાફરખાનામાં એક સાંજે અમે મુકામ કર્યો. તારા પિતાને ઘેર માટીના વાસણ લેવા આવતાં તને દીઠી. દેખતાં જ દીવાનો બન્યો. મારા પ્યારા સાથી હસનબેગનો વાર્યો ન વળ્યો. મારા જવાહિર ચોરાઈ ગયાં, ખરચી ખૂટી ગઈ, મારો સાથી બુખારમાં પડી મરી ગયો, મારું પવનવેગી ઊંટ પણ ચોરાઈ ગયું, ને હું તારા પ્રેમમાં ફના થઈ આજે સિંધનો મેહાર બન્યો છું. તારાં પિતાનાં ગધેડાં ચારું છું !”

પોતાની અજાયબી સંતાડી રાખીને સુહિણીએ ટોણો માર્યો: “એ વાતનો શું તને પસ્તાવો છે, મહાર? બુખારાની દોલત અને બાપના લાડકોડ ભોગવવા પાછા જવું છે? તો સુખેથી જા, પિંજરાનું બાર હું ખોલી નાખું છું.”

“ના, હવે ક્યાં જાઉં? પિંજરના પંખીને હવે જંગલનાં પંખીઓ સંઘરશે નહિ. હવે તો સિંધુને કાંઠે જ કબર કરવી છે.”

“ત્યારે આંખોમાં આંસુ શીદ આવ્યાં?”

તોલા કુંભારને કાને વાતો પહોંચી કે સિંધને કિનારે ઘટાદાર વડલાને છાંયડે રોજ રોજ બપોરે સુહિણી ને મેહારના મિલાપ થાય છે. ધીરે ધીરે બાતમી પહોંચી કે બપોરનો સમય બદલાવીને મોડી રાતના અંધારામાં એ જુવાનિયાં મળે છે અને વડલાની ડાળીઓમાં પોઢેલ પંખી પણ ન સાંભળે તેવી ધીરી વાણીમાં પ્યારની વાતો ચલાવે છે.

તોલાએ બીજે દિવસ પ્રભાતે મેહારના હાથમાંથી ગધેડાં-ભેંસો હાંકવાની લાકડી ખૂંચવી લીધી અને કહ્યું કે “શદાપુર ગામના સીમાડામાં જો પગ દીધો છે, તો જાનથી મારીને તારા ખૂનથી સુહિણીને નવરાવીશ ! જા, નિમકહરામ ! ચાલ્યો જા!”

સિંધુ નદીને સામે પાર જઈને મેહારે એક ઝૂંપડી બાંધી છે. આખો દિવસ ઈરાની, અરબ્બી કે સિંધી કવિઓની કાફીઓ ગાતો ગાતો ને વાંસળી બજાવતો એ આશક અન્નપાણી લીધા વિના બેઠો રહે છે અને રાત પડે ત્યારે એક મચ્છી તળીને તૈયાર કરે છે. અધરાતને પહોર એ મચ્છીને પોતાના માથા પર ઉઠાવીને. કછોટો ભીડી, સિંધુનાં અતાગ નીરમાં શરીરને પડતું મૂકે છે. હાથીને પણ ઢાળી નાખે એવા એ નદીના તાણમાં પોતાની