પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુહિણી-મેહાર
165
 


આ શાદી મંજૂર નથી એવું જાહેર કરવા છતાં પણ એને જબરજસ્તીથી પરણાવી. પણ સુહિણી સાસરે ન ગઈ એટલે બાપે સુહિણીના વરને ઘરજમાઈ કરીને રાખ્યો. સુહિણીએ પહેલી જ રાતે વરને ચેતવી દીધો કે “તું મારે ભાઈ-બાપ છો ! ફરી વાર મારી ખાટમાં આવતો નહિ.”

સગાંવહાલાં સાથેની ભેળસેળ સુહિણીએ છોડી દીધી છે. દુનિયાનાં માનવી સાથે એના મનનો મેળ મળતો નથી. વાતચીતો એણે કમતી કરી નાખી છે, પાંચ વખત નમાજ પઢવામાં, કુરાનનો પાઠ કરવામાં, અને રોજા રહેવામાં એના દિવસો જાય છે. રાત તો એણે સિંધુને સામે કિનારે બેઠેલ સ્વામીને સોંપી છે.

આ બધું એ પરણ્યા કુંભારથી ન જોવાયું. એણે સૃહિણીને વસમાં મેણાં માર્યાં. એકલી પડીને સુહિણી વિચાર કરે છે:

નાય ન નમાજું પડે, ગંધ ન ગંધ્યું ધોય,
સંઝે મિંઝ સૂમથી, (સે) પાસા ફેરે પોય,
ઊઠી આધિય રાતજો, (ઈ) કુનિય કાણ રોય,
કડવા વેણ કસાલા, ઈ મખે ને તો ચોય
એડો કાંધ સંધોય, (તડે) વર છતી વાણ તરાં.

"આ મારો ધણી, જે નમાજ પણ પઢતો નથી, પોતાના દેહની દુર્ગંધ પણ ધોતો નથી, સાંજ પડતાં જ જે ઘોંટી જાય છે ને પરીડિયે જે પથારીમાં પાસાં ફેરવે છે, અરધી રાતે ઊઠીને જે હાંડલીને માટે (ખાવા માટે) રુએ છે, એવો પુરષ મને કડવાં મેણાં મારે છે. એવા કંથ સાથે શીદ મારો સંબંધ બંધાયો? હું તો એવા વરને છોડીને પ્રવાહમાં તરવા ચાલી જાઉં છું.”

એ રીતે વરનો ત્રાસ અને લોકોની બદબોઈ વધતાં જ ગયાં. માબાપને પણ એમ જ થયું કે સુહિણી મરે એ જ બહેતર છે. અને સાચોસાચ સુહિણીનું મોત આવી પહોંચ્યું.

રાત અંધારી છે, પણ વૈશાખ મહિના જેવો વસ્લનો મીઠો માસ ચાલે છે. વહાણના સઢ ચડ્યા હોય તેવી રીતે સુહિણીના આસમાની ઓઢણાના પાલવ પવનની લહેરોમાં ફુલાઈ ગયા છે, જાણે સિંધુને સામે કિનારે ઊડીને જવા માટે સુહિણીને કિરતારે બે પાંખો બક્ષી દીધી છે. સિંધુની છાતી