પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુહિણી-મેહાર
169
 


પોતાની આંખો સામે એણે મોતના ફિરસ્તા ઇઝરાયલને દીઠો. તે છતાં દિલ તો દોડીને મેહાર પાસે ચાલ્યું ગયું.

ઘિરિ ઘરો હથ કરે, બોયાં ઈ બાઉં,
વેચારિય વડ્યું કિયું, વિચ ધરિયા ધાઉં,
વરજ સાડ, પાઉં, તાકું તકી આંહ્યાં.

પ્રથમ ઘડો હાથ ધરીને પેઠી, પછી એ ફૂટી જવાથી બાંયો (ભુજાઓ) બોળીને તરી, છેવટે ડૂબતાં ડૂબતાં દરિયામાંથી (મોટી નદીમાંથી) એ બિચારીએ ધા દીધી કે ઓ વહાલા સાહડ ! ઓ મેહાર ! તું પાછો વળી જજે, કેમ કે મને પાણીનાં હિંસક પ્રાણીઓએ ઘેરી લીધી છે.

“ન આવીશ ! ઓ મેહાર ! તું ન આવીશ !” એવી છેલ્લી બૂમો સંભળાણી. પણ હવે મેહાર કોને માટે પાછો વળે? ઘણી ડૂબકીઓ મારી, ઘણા ઘૂના ડખોળ્યા, ભેખડો તપાસી, પણ સુહિણીનો પત્તો ન લાગ્યો. મહારની જાંઘ પરનો જખમ ફાટીને લોહી વહેવા લાગ્યું. થોડી વારે એનું ખાલી થયેલ ખોળિયું પણ “સુહિણી ! સુહિણી !” એવા શબ્દ સાદ કરતું, જાણે સુહિણીની અનંત શોધમાં પાણીને તળિયે જઈ બેઠું.

સવાર પડ્યું. સિંધુ માતાએ બન્ને ડૂબેલા શરીરોને સાથે કરી કિનારા ઉપર કાઢી નાખ્યાં. ભેળાં થયેલાં કટુંબીઓએ બન્ને જણાંને દફનાવી તે પર કબર ચણાવી.

શદાપુર ગામને પાદર આજ પણ આ કબર બતાવાય છે.

[આ વાર્તાના વસ્તુ માટે તેમ જ તેની અંદર આવતા ત્રણ-ત્રણ પંક્તિના સિંધી દુહાઓ માટે, કચ્છી લોકસાહિત્યના સંશોધક સ્વ. જીવરામ અજરામર ગોરે સંગ્રહેલા સુહિણી-મેહારની કચ્છી જનકથાના દુહા (‘ગુજરાતી’: દિવાળી અંક, 1911)નો આધાર લીધો છે. પ્રસ્તુત દુહાઓના પાઠમાં ને તેના અર્થોમાં મને ઘણી ત્રુટિઓ દેખાઈ. તે શામળદાસ કોલેજના સિંધી પ્રિન્સીપાલ પૂજ્ય શાહાણીજીએ અત્યંત મહેનત કરી તથા પીર શાહ અબ્દ લતીફના પુસ્તકમાંથી વીણી વીણી, સપ્રેમ સુધારી આપી છે. છતાં પ્રિ. શાહાણીનું માનવું છે કે અસલ સિંધી પાઠ આ પદોમાં અશુદ્ધ રહી જાય છે.]

🐦🙕❀🐦🙕❀🐦