પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
174
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



ઉર રે જાઓ રે બનેર કુડા, કઈયો માયેર આગે,
તોમાર ના ચાંદબિનોદ, ખાઈ છે જંગલધાર બાઘે.

[ઓ વનના બાજ પંખી ! ઊડીને મારી મા આગળ જાજે ! કહેજે કે તમારા ચાંદવિનોદને જંગલના વાઘે ફાડી ખાધો.]

ગાગર લઇને કન્યા ઘેર આવી. લાલ લાલ લોહી એના મોં ઉપર ચડી આવ્યું છે. પાંચ ભાઈઓની પાંચ વહુવારુઓ એને પૂછે છે કે “હે નણદીબા ! તળાવડીને આરે તમે સાંજ સુધી એકલાં કેમ રોકાયાં ? અંગનાં વસ્ત્રોનું કાં ઠેકાણું નથી ? અંબોડો કાં વીખરાઈ ગયો છે ?”

આધા કલસી ભરા દેખિ, આધા કલસી ખાલિ,
આઇજ જે દેખિ ફોટા ફૂલ, કાઈલ દેખ્યાછિ કલી.

["રે નણદી ! આ ગાગર અરધી ભરેલી ને અરધી ઠાલી કાં ? કાલ (તારી કાયા) જે કળી હતી. તે આજ ખીલેલું ફૂલ કેમ કરીને બની ગઈ ?]

“તળાવડીને આરે શું બન્યું તે બોલો ! સવારે અમારી સાથે પાણી ભરવા ચાલો. ત્યાં જઈ એકાંતે વાત કરજો.”

“ના, ભાભી ! તમે સહુ જજો, હું નહિ આવું. મને રાતે આકરો તાવ આવેલો. મારા પેટમાં ને કમરમાં વેદના થાય છે.”

પાંચેય ભોજાઈઓ ઝીણી ઝીણી વાતો કરતી કરતી પાણી ભરવા ચાલી ને મલુવા પોતાના શયનમંદિરમાં ગઈ.

આ મલુવા કોણ છે ? ગામના ખારવાની દીકરી છે. બાપનું નામ હીરાધર છે. ઘરમાં ધાનની કોઠીઓ ભરી છે. આંગણે દસ દૂઝણી ગાયો છે. સાંતીડે ચાર બળદ છે. પાંચ દીકરા ને છઠ્ઠી દીકરી છે. દુ:ખમાં દુઃખ એટલું જ કે લાડકી દીકરીને લાયક કોઈ વર નથી મળતો.

સૂતી સૂતી મલુવા વિચારે ચડી છે :

ક્યાંથી આવ્યો એ પુરુષ ? રાતે ક્યાં જઈને રહ્યો હશે ? પોતાના બાજ પંખીને એણે ક્યાં રાખ્યું હશે ?

આમિ જદિ હોઈતામ કુડા, થાકતામ તાર સને;
તાર સંગે થાકિયા આમિ, ઘુરતામ બને બને.