પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મલુવા
185
 

 છે, હાથ જોડીને મલ્લુ સહુને પગે લાગી રહી છે. ત્યાં તો પોકાર કરતી સાસુ વીખરાયેલે વાળે દોડી આવે છે :

“ઓ મારી વહુ ! મારા ઘરની લક્ષ્મી ! પાછી વળ ! એક વાર પાછી વળ !”

મલ્લુ બોલે છે :

ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં;
બિદાય દેઓ મા જનની. ધરિ તોમાર પાઉ.

[હે માતાજી ! મને રજા આપો. તમારા ચરણે પડું છું. અને ઊછળો ! ઊછળો ! ઊછળો હે નદીનાં નીર ! ભલે ડૂબે આ તુટેલ નાવડી !]

ભાંગા નાઉએ ઉઠલો પાનિ, કરિ કલ કલ,
પાડે કાન્દે હાઉડી, નાઉ અર્ધેક હોઈલો તલ.

[તૂટેલ નાવડીમાં પાણી કલ ! કલ ! અવાજ કરતાં ભરાવા લાગ્યાં છે. કિનારે ઊભેલી સાસુ રડે છે. અરધીક નાવડી તો ડૂબી પણ ગઈ છે.]

પાંચેય ભાઈઓ દોડ્યા આવ્યા, એકેએક નાતીલો દોડ્યો આવ્યો અને ભાઈઓએ સાદ કીધો કે “ઓ બોન ! શીદ મરવું પડે છે ? ચાલો બાપને ઘેર. સોનાની નૌકામાં બેસારીને તને તેડી જશું."

પાણીમાં ડૂબતી બહેન બોલે છે કે “હે ભાઈઓ, હવે બાપને ઘેર જવાનું ન હોય. મને રજા આપો !”

ઉઠુક ઉઠુક ઉઠુક જલ, ડૂબુક ભાંગા નાઉ !
મલુવા રે રાઇખ્યા તોમરા આપન ઘરે જાઉં.

[ઊઠો ! ઊઠો ! ઊઠો હે નદીનાં પાણી ! ભલે નાવડી ડૂબી જતી ! અને, હે વહાલાંઓ ! તમે હવે મલ્લુને વળાવી પાછાં વળો ! ]

“એક વાર મારા ચાંદને બોલાવો. એક વાર એનું મુખ નિહાળી લઉં. એક વાર કોઈ એને તેડી લાવો !”

તૂટતે શ્વાસે ચાંદ દોડતો આવ્યો : એણે મલ્લુને મધનદીમાં ડૂબતી દેખી : કિનારેથી એણે ધા નાખી :

“ઓ મારી આંખોના તારા ! ઓ મલ્લુ ! આવું કરવું’તું?”