પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીનો કોશ
207
 

ગાતરી ભીડવી : ઓઢણીને ગાંઠડી વાળવી, સાડલાના બંને છેડા ડોક પાસે લાવી, ગાંઠમારી દેવી તે (ચારણ સ્ત્રીઓ આ રીતે ઓઢણું ઓઢે છે.)
ગૂડી નાખવું : હણી નાખવું
ગોટા વાળવા : બહાનાં કાઢવાં
ગૌમેટ કરવું : ગૌમાંસની માફક હરામ ગણવું (અંગ્રેજી શબ્દ ‘કાઉ-મીટ’રનું અપભ્રંશ ગૌમેટ કે ગોમેટ તરીકે સૌરાષ્ટ્રમાં વપરાય છે)
ઘરણ ટાણે સાપ કાઢવો : પ્રતિકુળ સમયે અમુક કાર્ય કાઢવું, (ગ્રહણ સમયે આભડછેટ હોવાથી ઘરમાં કશી ચીજને અડકાય નહિ, તેથી સાપ નીકળતાં તેને પકડવાની મુંઝવણ થાય)
ઘરેણે મુકાઈ ગયું : ગીરો મૂકી દીધું
ઘેંશનાં હાંડલાં ફોડીશમા : ગરીબને રંજાડતો નહિ
ઘોડાં ખૂંદવાં : ઉતાવળ કરવી
ઘોડાં ઘેર્યાં : ઘોડાંને પાણી પાયાં
ઘોડાં ફેરવવા : સેના ચલાવવી
ઘોડાં ભેડવવાં : ઘોડાંની શરત કરવી
‘ચકલાંયે એના ઘરની ચણ નો’તાં ચાખતા’: એ વાંઝિયો હતો
ચડાઉ કરી : (ઘોડીને) પલોટીને સવારી માટે તૈયાર કરી
ચપટી ધૂળ નાખીને ધાન ખાવું : પાત્રમાં એક બાજુ ચપટી ધૂળ પ્રતીકરૂપે નાખીને ભોજન લેવાની ટેક (દા. ત. ચિતોડ ન મળે ત્યાં સુધી થાળીમાં ધૂળ નાખીને ભોજન લેવાની ટેક રાણા પ્રતાપે લીધેલી)
ચાડ કરીને : સામે ચાલીને, ચડસ કરીને


ચાર આંખો ન મળવી : રૂબરૂ ન મળી શકવું
ચાર પગ સંકેલીને : ચારે પગ ભેગા કરીને, શરીર બરાબર સમતોલીને (હરણ કૂદે ત્યારે છલંગ મારતા પહેલાં ચાર પગ ભેગા કરીને ઠેક મારે તેમ).
ચાર હત્યાનું પાપ : બ્રહ્મહત્યા, ગૌહત્યા, નારીહત્યા, બાળહત્યાનું પાપ
ચીંટિયો લઈએ તો ધાર થાય: લોહીથી ભરપૂર, તંદુરસ્ત
ચીંથરાં ફાડવાં : પોતાનો બચાવ કરવા વ્યર્થ યત્ન કરવો.
ચૂડલી નંદવાવી : ચૂડલી તૂટવી
ચૂડા સામું તો જુઓ : સૌભાગ્યની વાત તો વિચારો!
ચોકડું ડોંચવું : લગામ ખેંચીને માર્ગ ફેરવવો
ચોરાસી સિદ્ધની પંગતમાં રાહ જોવાવી : મચ્છેન્દ્રનાથ, ગોરખનાથ વગેરે સિદ્ધોની સાથે બેસવા જેવું તપ કરવું
છાશ પીવાનું ટાણું: સવારે લગભગ અગિયારેક વાગ્યે થતો નાસ્તો, શિરામણ. (ખરેખર તો શિરામણમાં દૂધ-રોટલા હોય, પણ લોકમાન્યતા પ્રમાણે ‘દૂધ’ શબ્દ અપશુકનિયાળ હોવાથી બોલાતો નથી. દૂધ પીરસનાર પણ ‘છાશ આપું’ બોલે છે).
છૂટકો થઈ જવો : પ્રસવ થઈ જવો
છોડિયું છબે નહોતી રમી પણ મરદોએ કાંડાં બાંધ્યાં હતાં : ગમ્મત રૂપે નહિ પણ બહુ વિચારપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી.
જણ્યો પરમાણ : જન્મ આપ્યો તે સાર્થક
જમણ ભાંગી જવાં : દિવસો વીતી જવા
જમણું અંગ ફરકવું : સ્ત્રીનું જમણું અંગ ફરકે એ અપશુકન ગણાય છે