પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.બાપનું નામ

ગોહિલવાડમાં બગડાણા ગામની બગડ નદીની વેકૂરમાં એક ચીંથરેહાલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય. મનની ઊંડી દાઝ કાઢતો હોય તેવા ચાળા કચકચાવતો જાય છે. મોંએથી બડબડાટ પણ કરે છે. અને પડખે થઈને ચાલ્યું જતું નદીનું વહેણ જાણે એ મૂરખા ભિખારીની મૂર્ખાઈની મશ્કરી કરતું હોય તેવો ‘ખળ ! ખળ ! ખળ ! ખળ !’ અવાજ કાઢી રહ્યું છે. પાસે એક ઊજળાવરણો ઘાટીલો જુવાન હાથમાં કળશિયો લઈને આ ગરીબ માણસનું ખોદકામ જોતો જોતો મલકાતે મોંએ ઊભો છે.

"શું કરો છો, ભાઈ?” જુવાને પૂછ્યું. પણ ખોદનારને તો આંખ, કાન ને નાકનું તમામ જોર ખોદવામાં જ કામે લાગી ગયું હોય એવું થવાથી કોણ શું પૂછે છે કે કોણ ઊભું છે તેનું ભાન જ નથી, માથાની પાઘડીના આંટા ગળામાં પડવા મંડ્યા તેટલી હદ સુધી ભાનભૂલ્યો બનીને બસ ઊંડે ઊંડે હાથ નાખીને એ તો ગાળ કાઢતો જ જાય છે.

“એ... શું ખોદો છો ? ત્યાં કાંઈ માયાનું ચરુનું કડું તો હાથમાં નથી આવી ગયું ને?” જુવાને એ ખોદનારના કાનમાં મોં નાખીને જોરથી આ વેણ સંભળાવ્યાં. બાઘોલા જેવા ભિખારીએ માથું ઊંચું કરીને આ જુવાન સામે જોયું.

"શું કરો છો ?” ફરી વાર જુવાને પૂછ્યું.

“એ... દાટું છું.” એટલું એક જ વેણ બોલીને જાણે કે પોતાને મોડું થઈ જતું હોય તેમ પાછો એ માણસ ખોદવામાં લાગી ગયો. આ માણસ ગાંડો હોય એવો વહેમ જુવાનને પડ્યો.

“પણ અહીં નદીમાં શું દાટો છો?”

10