પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીનો કોશ
209
 

ત્રણસો પાદરનો વાવટો : ત્રણસો ગામનું ધણીપદું
ત્રણે પરજુ : ખાચર, ખુમાણ અને વાળા કાઠી કોમની ત્રણ મુખ્ય પરજ (શાખા)
ત્રસકાં ટપકવાં : (લોહીનાં) છાંટણાં ઊડવાં
ત્રીજી પાંસળીએ તરવાર પહેરવી : તરવાર કેડે બાંધવાને બદલે ઊંચી બાંધીને આપવડાઈ બતાવી ‘થઈ જા માટી !’: લડવા માટે તૈયાર થઈ જા ! (માટી : 17 થી 19 વરસનો યુવાન)
થાલમાં માંડી દેવું : ગીરો મૂકી આપવું
દક્ષિણ તરફ પ્રયાણ : યમની નગરી તરફ પ્રયાણ. (મૃત્યુ પછી શબના પગ દક્ષિણ તરફ રાખવાનો રિવાજ છે.)
દડી ફેંકવી : જન્માક્ષર માંડવા માટે જોષી સૂતિકાગૃહની બહાર બેસે, દાસી જન્મેલ બાળકના હાથે કાચા સૂતરનો તાંતણો બાંધીને દોરાની દડી બહાર ફેંકે. તેના ઘડી-પળની જાણ થાય અને જોષી સૂત્રવિદ્યાથી જન્મનારની નાડીના ધબકારા પણ પારખે, અને તેના જન્માક્ષર માંડે એવી લોકમાન્યતા.
દાળોવટો નીકળી જવો : સત્યાનાશ નીકળી જવો
દાંતોમાં દઈને ગયો : ઘણા શત્રુની વચ્ચેથી થાપ દઈને ગયો
દિલનો દાતાર : ઉદાર દિલનો
દીવાનીવાટ્યે ફૂલ ચડવાં : અધરાતનો સમય થવો
દેન દેવા : અગ્નિદાહ દેવા
દેવના ચક્કર જેવા : સમર્થ

દેવળવાળાની દુહાઈ : સૂર્ય મહારાજની આણ. કાઠીઓ સૂર્યપૂજક છે અને તેમનું દેવધામ થાન પાસે સૂરજદેવળ નામે ઓળખાય છે
દેહનાં ભાડાં દેવાં : શરીરને ટકાવવાની ખાતર ખોરાક લેવો
ધરતીઢાળું જોવું : ક્ષોભ અનુભવવો
ધૂધવા જેવો ખારો : અત્યંત ખારો.
ધોળમંગળ ગાવાનો દિવસ : મંગલ પ્રસંગ
ધોળામાં ધૂળ ઘાલવી : (ધોળા વાળ પરથી) વૃદ્ધાવસ્થામાં અપકીર્તિ આવે તેવું કૃત્ય કરી નાખવું
નવ લાખ લોબડિયાળી : નવ જોગમાયાઓનો ઉલ્લેખ ચારણો આ રીતે કરે છે
નાડા-વા : સૂરજ ચડે ત્યારે : સવારે નવેક વાગ્યે
નાડી ધોયે આડાં ભાંગે : બહુ ચારિત્ર્યવાન પુરુષને અપાતી ઉપમા. પૂર્વે જ્યારે કોઈ સ્ત્રીને પ્રસુતિમાં બાળક અટવાઈ જતું ત્યારે શિયળવંત પુરુષની નાડી ધોઈને એ પાણી પાવાથી પ્રસૂતિનો છૂટકારો થઈ જતો એવી માન્યતા છે.
નાડીમાં જીવ આવવો : નાડીના ધબકારા ચાલુ થવા, ચેતન આવવું
નામ મંડાવવાં : વહીવંચાના ચોપડામાં પોતાનાં નવાં જન્મેલ બાળકોનાં નામ લખાવીને બારોટને શીખ આપવી
નેજા ચડવા : યુદ્ધની ધજા ફરકવી
પગ તૂટી જવા : પગની શક્તિ હણાઈ જવી
પગ નીચે લા બળવી : ધરતી પર આગ લાગી હોય અને તેના પર ચાલવું પડે ત્યારે જેટલી ઉતાવળ થાય તેવી