પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીનો કોશ
211
 

બાંયોની કરલ ચડાવવી : કેડિયાની બાંયોને પહોંચા પાસે વળ ચડાવી ચડાવીને હાથની સાથે ચપોચપ ગોઠવી દેવી.
બેઠાંની ડાળ ભાંગે : જીવનનો આધાર તૂટે
બેલાડ્યે બેસાડવો : (ઘોડા પર) પાછળ જોડાજોડ બેસાડવો
ભાણે ખપતી વાત : ગરાસિયા, રજપૂત આહીર વગેરે તેર વર્ણો કાંસાની એક જ તાંસળીમાં રોટી વ્યવહાર કરી શકે તે
ભાલાને માથે દેવચકલી આંટા મારે : યુદ્ધમાં જો શૂરવીરનો વિજય થવાનો હોય તો તેની મંગળ સાક્ષીરૂપે એ વીરના ભાલાની અણી પર એ વીરની કુળદેવી કાળીદેવી (દેવચકલી) પંખીના રૂપમાં આવીને બેસતી એવી લોકમાન્યતા છે.
ભાંગ્યા દળના ભેળવણ : હારેલા લશ્કરને લડાઈ માટે પ્રેરનાર
ભીંત ભૂલવી : મોટી ભૂલ કરી નાખવી
ભીંસ કરવી : દબાણ કરવું
ભુક્કા નીકળવા : ચૂરા થવા
ભૂતનાથના ભેરવ જેવો : શંકરના ગણ જેવો
ભૂંડી થઈ : આફત આવી
ભેળવી દેવું : ચોરીથી ખેતરનો પાક ઢોરને ચરાવી દેવો
ભેંસ્યુ જે ઘડીએ માંદણામાં પડે તે ઘડી ડેડકાં બિચારાં ઓવાળે ચડે : મોટા લડે એની હડફેટે નાના નિર્દોષ ફેંકાઈ જાય (ભેંસ પાણીમાં પડે ત્યારે દેડકાં કાંઠે ફેંકાઈ જાય એ રીતે)
મલક છતરાયો : દુનિયા જાણે તેમ, ખુલ્લંખુલ્લા
મસાણમાં સોડ તાણવી : મૃત્યુ પામવું

મહારાજ મેર બેસે : સૂર્યાસ્ત (સૂર્ય મહારાજ અસ્ત થાય છે ત્યારે મેરુ પર્વતની પાછળ બેસી જાય છે, એવી લોકકલ્પના પરથી)
માણસ જાડું હોવું : ઘણા માણસ સાથે હોવા
માણું માણું મૂલ મળશે : લાણી કરનારને મજૂરીમાં જે પાકની લાણી થતી હોય તેના એક માણું (નવ શેર)ના માપે દાણા મળે છે, એના ઉપરથી.
માથા વગરનો ખવીસ : લોકમાન્યતા પ્રમાણે ખવીસ ખંધો હોય, ડાકણને વાંસો નહોય, ભૂતને પડછાયો ન હોય
માથાબોળ નાહવું : માથું ભીંજવીને નાહવું
માથામાં ખુમારી રાખીને : મગજમાં ગુમાન રાખીને
માથું દેહ પર ડગમગવું : મૃત્યુ નજીક હોવું
માથે પાણી નાખવું : ધીંગાણે ઘવાયેલ કે ભયંકર માંદગીમાંથી માણસ સાજો થાય ત્યારે અપાતું હર્ષનું જમણ
માથે માથું ન રહેવું : ધડ-માથું જુદાં થવાં, જીવતા ન રહેવું.
મારા હાથ ક્યાં અમથા અમથા ખાજવે છે ? : મારે ક્યાં નકામી લડાઈ વહોરી લેવાનું મન છે ?
મારે ને જમને વાદ થાય છે : નજીક આવેલા મૃત્યુને ઠેલી રહ્યો છું
માલ વાળવો : ઢોર લૂંટી જવાં.
માવતરમાં કાંઈક ફેર પડ્યો હશે : માબાપના ચારિત્ર્યમાં કંઈક ખામી હશે
માંડી દેવી : (જમીન) થાલમાં મૂકવી
મીઠાં વાવવાં : ખેદાનમેદાન કરવું
મૂછે તાવ દઈ : મૂછ મરડીને, પોતે બહાદુર છે એવી જાહેરાત કરવી