પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપનું નામ
11
 


“નામ!” આગળના જેટલો જ ટૂંકો જવાબ મળ્યો.

"નામ? કોનું નામ?”

“એ... ઓલ્યા કાળમુખાનું!”

એટલું કહીને ખોદનારે નદીની ભેખડ ઉપર ઊભેલા ઘર સામે હાથ ચીંધાડ્યો.

“એણે તમારું શું બગાડ્યું તે પ્રભાતના પોરમાં ફૂલડે વધાવવા મંડ્યા છો?”

“પ્રભાતને પો’રે એ કાળમુખે મને જાકારો દીધો. ડેલીએ હું ટંકબપોર આશરો લઈ ને બહુ તો ફડશ રોટલો ખાઈ જાત. પણ એમાં તો એ સૂમના પેટનાનો જીવ ટૂંપાઈ ગયો ! તો પછી, એવડી મોટી તાબૂત જેવી ડેલી શીદને ઊભી કરી છે? મે’માનને આદરમાન ન દઈ શકતો હોય તો મેલે ને એની મો’લાત્યુંમાં લાલબાઈ!”

આ ફૂલડાંનો વરસાદ ગામના કયા માણસને માથે વરસી રહ્યો છે એની જુવાનને ખાતરી થઈ. ખોદનારની જીભ તો વાળા આયરને ગાળો ચોપડવા લાગી પડી છે. અને એક પછી એક વેણ સાંભળીને એ જુવાન મોં આજે ફાળિયું દેતો હસી રહ્યો છે.

“ગઢવા લાગો છો!” જુવાને પૂછ્યું.

“હા, ગઢવી મૂઓ છયેં એટલે જ ના !”

“હા જ તો !નીકર તો જીભે આવી સાક્ષાત્ સરસ્વતી ક્યાંથી હોય?”

“દાટી દઉં કાળમુખાના નામને!”

“હા, હા, ગઢવા, સાચી વાત; દાટી દ્યો એના નામને. ખૂબ ઊંડું દાટજો, હો ! કેમ કે ઈ પાતાળમાંથી નીકળી જાય એવો છે. એની વાંસે એવા પડ્યા છે કે એને પાતાળમાંથી પણ બહાર કાઢશે; માટે સારી પેઠે ઊંડો દાટજો, હો કે ગઢવા!”

“એમાં તમારે કે’વું ન પડે, ભા!”

“લ્યો, હુંયે ખોદવા લાગું; તમથી એકલાથી નહિ ખોદાય ગઢવા!”

એમ બોલીને જોધારમલ આયર કળશો બાજુએ મેલી, બાંયો ચડાવી, ગોઠણભર થઈ, ખાડાને વધુ ઊંડો કરવા લાગ્યો.