પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાદાં અને સીધાં શૌર્ય અગર સ્નેહ અને સત્યવાદીપણાની વાતો તો સહેજે પચી જાય છે; પરંતુ આ તો જીવનકથાઓ છે અને જીવન એટલું સાદું નથી હોતું. જીવનમાં અનેક પરસ્પરવિરોધી ભાવોના ઉછાળા આવે છે. અસલી યુગનાં તત્ત્વોને ન સમજી શકનાર માનવી એને ગપ્પાં કહે છે, ને કાં માને છે નાદાની. એ બધા માનવધર્મોનો મેળ સમજવો મુશ્કેલ થઈ પડે છે.

સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશદેશના વીરત્વ વચ્ચેના સમાનતાના સંદેશ ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રાન્તિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી. ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિંમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલો – એટલી પહોળી ફૂલો, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય; સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે, કે ઇંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે અને તેટલા માટે મારાં નાનાં ભાંડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું – દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફુલાવીને મારા હક તરીકે માગું છું.

ઝવેરચંદ મેઘાણી