પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
12
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

"લ્યો, હવે નાખો એને આમાં એટલે દાબીદાબીને દાટી દઈએ.”

એક ગોળ પથરો લઈને ચારણે એ ખાડામાં પડતો મેલ્યો : “લ્યો, આ પાણકા ને એના દિલમાં કશો ફેરફાર નથી : બેય સરખા જ કઠણ ! દાટી દ્યો પાણકાને.”

“હં... મારો બાપો, ગઢવા ! વાળી દ્યો વેકૂર અને મંડું ખૂદવા.”

ખૂંદીખુંદીને પથ્થર દાટ્યો. ‘હા...શ!’ કહીને ચારણે શ્વાસ હેઠે મેલ્યો.

“ના, ગઢવા, મને તો બીક લાગે છે કે નીકળી જાશે, હો ! દરરોજ આંહીં આવીને ખબર કાઢી જાજો. હમણાં આ ગામ છોડ્યા જેવું નથી. ઈ મડું તો મસાણથી પાછું આવે એવું છે !”

“અરે મારો બાપ ! છોકરાં ધાન વગર ભાંભરડાં થઈ રહ્યાં છે, ને હું શે સુખે આંહીં રહું ! આ ગામમાં મને આવે શુકને ઊભોય કોણ રાખે?”

“ગઢવા, હાલો આપણે ખોરડે, જાર-બાજરીનું જે ધાન ખાતાં હશું એ તમારા ભાણામાં પણ હાજર કરશું.”

ચારણને કાંડે ઝાલીને જુવાન આયર પોતાની ડેલીએ તેડી ગયો.

ધતૂરાનાં ફૂલ સરખી સોહામણી ડેલીની બન્ને બાજુની ચોખ્ખી અરીસા જેવી ચોપાટોમાં ચારણે તો પચાસેક પરોણાઓને હિંગળોકિયા ઢોલિયા માથે બેઠેલા જોયા. ડેલીનાં કમાડ, ગોખલા, જાળિયાં ને થાંભલીઓનું અમૂલખ જુનવાણી કોતરકામ ભાળીને પરોણાનું દિલ, આંબાની કુંજે મોરલો રમે તે રીતે રમવા લાગ્યું. થોડીવાર થઈ ત્યાં જુવાન આયરને દાતણ કરવા માટે સોનાની ઝારી ને રૂપાના કળશા હાજર થયા. માણસો એનો પડતો બોલ ઝીલવા મંડ્યાં. અને અંદરથી નોકરો એક પછી એક દસ જાતવંત ઘોડીઓને દોરીને જેમ એ જુવાનની સામે આણતા ગયા તેમ તેમ ઘોડીઓને રૂંવાટી માથે અને કાનની અંદર આંગળી ફેરવી, ભાતભાતની અતલસોની કુમાશ તપાસતા કોઈ મોટા સોદાગરની માફક પોતાનાં પ્રાણપ્યારાં પશુઓને તપાસવા લાગ્યો. ‘ખમા રાઘવભાઈ!’ ‘'ખમા રાઘવભાઈ!’ એમ ખેડુઓ ખમકારા કરતા સાંતીડાં લઈ લઈ નીકળ્યા. જુવાનનો પડતો બોલ ઝિલાતો જોઈને ચારણે જાણ્યું કે પોતાનું કાંડું ઝાલીને લઈ આવનાર બગડાણા ગામનો જાણીતો આયર રાઘવ ભમ્મર જ છે.