પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપનું નામ
13
 


એક દિવસ... બે દિવસ.... ચાર દિવસ થયા ત્યાં ચારણે ઊભા થઈ રાઘવ ભમ્મરનાં ઓવરણાં લઈ, હાથ જોડી રજા માગી : “બાપ, એનાં જમણ ભાંગી ગ્યાં; છોકરાં ઘરે ભાંભરડાં દેતાં હશે ને હું અહીં સવા મણની તળાઈમાં કેમ સૂઉં ? રાજી થઈને રજા દ્યો.”

“અધીરા થાઓ મા, ગઢવા ! ઘેર દાણા પહોંચતા કરું છું.” એમ કહી તરત ચારણને ગામડે એક કળશી લીલવણી બાજરો ગાડું ભરીને મોકલાવી દીધો.

ચારણ રોકાયો, જીભ આળવીતરી, એટલે ભરદાયરા વચ્ચે ચારણે પથ્થર જેવડા બોલ મોંમાંથી પડતા મેલ્યા : “જોજો આ મારા નાથની જુક્તિ : પડખોપડખ બે ડેલિયું; બેય ડેલિયે હાથણિયું જેવી બસો બસો કૂંઢિયું ટલ્લા દ્યે છે; બેયને ઘરે નવે નધ હાથ જોડી ઊભી છે; પણ બે ડેલિયું વચ્ચે મારે નાથે કેટલું આભ – જમીનનું અંતર દીધું ! એકનું મોં પ્રભાતે જોવાઈ ગયું હોય તો લાંઘણ પડે, ને બીજાને દીઠ્યે દાળદર દરિયાને સામે કાંઠે જઈ પડે!”

રાઘવ ભમ્મરે સૌ માણસને ઈશારત કરી દીધી હતી કે કોઈએ ચારણને ફોડ પાડવાનો નથી; ભલે બોલે.

બરાબર બપોરનું ટાણું છે તે વખતે બસો ઘોડે ઠાકોર વજેસંગજીએ ભાવનગરથી આવીને બગડાણાના પાદરમાં વડલા હેઠળ વિસામો લીધો, અને પોતાના અમીરોને હુકમ કર્યો કે “રાઘવમામાને ઝટ સાબદા થઈ બહાર નીકળવા કહો. બીજી કાંઈ તરખડમાં પડે નહિ એમ કહેજો. મેં બધો સરંજામ ભેળો લીધેલ છે.”

અસવારોનાં ઘોડાં મહારાજ વજેસંગજીને વીંટીને પાદરનાં ઝાડવાંની ઘટામાં હમચી ખૂંદવા મંડ્યાં. મહારાજને મોંએ પવનની ટાઢી લેરખી વારણા લેવા લાગી. અને આ બાજુથી અમીરે આયરની ડેલીએ જઈ તપાસ કરી તો રાઘવ ભમ્મર અંદરને ઓરડે આરામ લેતા હોવાની જાણ થઈ. અમીરે રાઘવભાઈની માતાને ખબર દીધા.

“કોણ મેમાન છે?” ડોશીએ પુછાવ્યું.