પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
14
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

“ભાવનગરથી મહારાજ વજેસંગજી.”

“કેમ અટાણે?”

“બસો ઘોડે દુવારકાની જાત્રાએ જાય છે અને રાઘવમામાને ભેળા સોંઢાડવા છે.”

“તે ક્યાં છે મહારાજ? ડેલીએ લઈ આવો.”

“મહારાજ રોકાવાની ના કહે છે, અને મામાને ચોંપેથી સાથે ચડી, આવવા કહેવરાવે છે.”

“પણ, બાપ, મારો રાઘવ તો ઝોલે ગ્યો છે. ભલા થઈને એને કોઈ કાચી નીંદરે ઉઠાડશો મા "

“અરે પણ, ફુઈ, ઠાકોર.”

"ઠાકોરને મોરલીધર કરોડ્યું વરસના કરે પણ મેં કોઈ દી મારા રાઘવને કાચી નીંદરે નથી જગાડ્યો. મહારાજને વીનવો કે ઘોડાં જોગાણ ખાય તેટલી વાર પઘડું છાંડી ડેલીએ બિરાજે; ત્યાં હમણાં ભાઈ જાગશે.”

“અરે પણ, ફુઈ, બસો ઘોડાને જોગાણ...”

“કાંઈ વાંધો નહિ, બાપ આંહીં મહારાજને પ્રતાપે કોડિયુંમાં બાજરો અભર ભર્યો છે.”

મહારાજને ખબર પહોંચ્યા કે મામો પોઢ્યા છે અને કાચી નીંદરે જગાડાય નહિ ! માટે મામો ઊઠે ત્યાં સુધી ઘોડાં તોફાન કરે નહિ એટલા સારુ જોગાણ ચડાવવાનું આઈએ ઓરડેથી કહેવરાવ્યું છે !

"સાચું, સાચું, મામાને કાચી નીંદરે ન જગાડાયા” એમ બોલી, હસતા હસતા અઢારસો પાદરના ધણી રાઘવ ભમ્મરની ડેલીએ જઈ ઊતર્યા. ઢોલિયા ઉપર ફૂલવાડીઓ જેવી ધડકીઓ પથરાઈ ગઈઃ દૂધના ફીણ જેવા ઓછાડ ઢંકાયા; અને મહારાજ મામાના ઊઠવાની વાટ જોતા જંજરી પીતા પીતા બેઠા. બસો ઘોડાં હાવળો કરતાં કરતાં જોગાણ બુકડાવવા લાગ્યાં. બીજી બાજુથી આખા ગામની આયરાણીઓને બોલાવી આઈએ ભાતલાં તૈયાર કર્યા. સાજણી ભેંસો દોવાઈ ગઈઃ ગોરસડાં ભેળાં થયાં: ખાવાનું તૈયાર ટપ થઈ ગયું ત્યારે રાઘવભાઈ જાગ્યા.

“અરે, રંગ રે મામા!” કહેતાં મહારાજ ઢોલિયેથી ઊભા થઈ રાઘવને