પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપનું નામ
15
 

બથોબથ મળ્યા.

“મારા બાપ, મને ભોંઠામણ ચડ્યું; મને જગાડડ્યો નહિ?”

“કાચી નીંદરે. . ."

“અરે, હાં – હાં ! બાપ! હું ઘરધણી માણસ : મારે વળી નીંદર કાચી શું, ને પાકી શું?”

"નીંદર તો, મામા, સૌની સરખી – શું રા’ની કે શું રંકની.”

એમ વાતો કરી ભાતલાં જમ્યાં. રાઘવ ભમ્મર મહારાજની સાથે દ્વારકાજીની જાત્રાએ ચાલ્યા. પેલા ચીંથરેહાલ ચારણને પણ બનાવી-ઠનાવી સાથે લઈ લીધો.

પ્રભાતને પહોરે પોતાના હજાર માણસોનો દાયરો કરીને મહારાજા વજેસંગ ગોમતીજીને તીરે બેઠા છે. ઊગતા સૂરજની ચંપકવરણી જ્યોત ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને ચારણના મોમાંથી કાવ્યધારા છૂટે છે કે –

ગાજે ગોમતી જી કે ગાજે સાગરં,
રાજે શામળા જી કે બાજે ઝાલરં,
સોહે એરસા જી કે સ્વામી સુંદરં,
મણજાં ઝળહળ જી કે દીપક મંદરં,

મણજ ઝળળળ દીપક મણિમે, કરાં ગૌ નર કૈક.
પોહપ-માળા ચડે પૂજા, અસા જુગપત એક,

વીણા મરદંગ શંખ બાજે, ધરે સેવક ધ્યાન,
છપન કુળ જાદવાં માઝે કરે લીલા કાન.

ભગવત રાજિયા જી કે મુજ પર ભૂપતિ,
અહનશ ઊતરે જી કે ઉપર આરતી,

ગામ દુવારકાં જી કે સરિતા ગોમતી,
કંથડ લીળિયા જી કે ભાખે કીરતિ.