પૃષ્ઠ:Rasdhar5.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
22
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 પોતાના ઓલવાતા હોકામાંથી જોર કરી કરી ઘૂંટો તાણવા લાગ્યા. બીજી બાજુ ગગનની પ્રલયકારી અસુર સેનામાં વીજળીનો વધારો થયો.

ઘડી આભનાં અંતર ભેદતી ને ઘડી ધરતીને માથે ગડથોલાં ખાતી વીજળીએ મહાઘોર નાટારંભ માંડ્યો : કડડ ! કડડ ! ત્રણ કટકા થઈને ડુંગરાને હલમલાવવા લાગી. પીળા, લાલ અને આસમાની રંગે ડુંગરો રંગાવા લાગ્યો. હમણાં ડુંગરનાં શિખર ખડેડીને ભુક્કો બની જશે, એવી ઘડીઓ ગણાતી થઈ. ઈડર શહેરને ગઢે, કોટે, કાંગરે ઝાડવે ને ઝરૂખે હજારો માનવી ચડીચડીને જોધપરિયા ડુંગરા માથે મૉતની આતશબાજી મંડાણી હતી તે નીરખી રહ્યા : ઘડીક જળળળ અજવાસ : ઘડીક ઘોર અંધારુંઃ કડેડાટ અને પવનના સુસવાટા : હમણાં ડુંગર તૂટશે... એ તૂટ્યો... એવા ફફડાટ : મહેલમાં માળાઓ લઈને 'હર ! હર ! હર !' કરતી બેસી ગયેલી રાણીઓ : અને હૈયે હૈયુ દળાય તેવી મેદની : એની વચ્ચે કલ્યાણમલ હોકાની ઘૂંટો તાણતા, મોંમાં આંગળી નાખીને અચળ બેઠા છે.

એવે સમયે ઈડરના સીમાડા માથે એક સાંઢિયો પોતાની પીઠ ઉપર બે બોકાનીદાર પડછંદ અસવારોને ઉપાડીને ચાલ્યો આવે છે. જમીન ઉપર લા બળતી હોય એવા છબ્યા ન છબ્યા પગ માંડતો, ડિલને નીડોળીને પંદર-પંદર હાથ માથે ઝાંફો ભરતો, પોતાની ડોકને છેક અસવારના ખોળામાં નાખી દેતો, કટકા કરી નાખે તોપણ કણકે નહિ એવો, અને પા ગાઉ માથેથી પણ માનવીનાં પગલાં કળીને ખેતરવા જેટલે આઘે તરી જનારો, બા'રવટાંની રીતનો જાણનારો અસલ થરનો ઊંટ એ ડુંગરિયા પંથ કાપતો આવે છે.

માથે બેઠેલ અસવારો દૂધમલિયા જુવાનો જ છે. એમાંના એકનું નામ કલ્યાણસંગ અને બીજાનું નામ ઉમેદસંગ છે. બેયની કમ્મરે તલવારો લટકે છે, અને બેયના ખોળામાં લાંબી નાળીવાળી અક્કેક બંદૂક છે.

“ઉમેદા !” મોટા અસવારે યાદ કીધું.

“બોલો, ભાઈ!”

“ઉમેદા, જોજે હો, થડકારો થાય નહિ ! આજ નાનકડી લૂંટમાં કોક બિચારા નવાણિયાને કૂટવામાં નથી રોકાવું. બહુ વાર બાપડા નિર્દોષોનાં માથાં ઉતાર્યા છે. આજ તો ઈડર રાજનો મૂછનો વાળ હોય તેવાને જ ફૂંકી