પૃષ્ઠ:Rasdhar5.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
24
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 કાંગરેથી માનવી જોઈ રહ્યો કે સાંઢિયાના અસવારો જોધપરિયે મરવા માટે જાય છે ! વીજળીના અજવાસમાં ઊંટ અનેક રંગે રંગાતો આવે છે. ગડગડાટ કરીને ખાઈ જવા તત્પર થયેલા આભ સામે છાતી કાઢીને મરણિયો ઊંટ ફાળ ભરતો ચાલ્યો જાય છે.

અસવારોએ ડુંગરાની તળેટીમાં ઊંટ ઝોકાર્યો. ઊંટ ઝૂક્યો – ન ઝૂક્યો ત્યાં તો બંને અસવાર સપાટામાં ઠેકડા મારી ઊતર્યા; ભોંયરાને બારણે દાખલ થયા.

“ઉમેદા ! જોજે હો, તું કાંઈ કરતો નહિ; હું જ હિસાબ ચૂકવીશ.”

એટલું કહીને કલ્યાણસંગ દાખલ થયો. અંદર જઈને જુએ તો હલમલીને તૂટું તૂટું થતા ડુંગરાની નીચે જીવતા માણસનું પ્રેત બેઠું હોય તેવા રાવ કલ્યાણમલને બેઠેલ દીઠા.

એકલો, નિરાધાર અને મરતાની અણી ઉપર.

કલ્યાણસંગના અંતરમાં ઊભરો આવ્યો : “અહાહાહા ! મારો ભાઈ, ઈડરનો છત્રપતિ એકલો !”

“મોટાભાઈ, ભારી લાગ મળ્યો ! ફૂંકી દઉં છું. જે મોરલી...” એમ કહીને જ્યાં ઉમેદસંગ બંદૂક ઉગામવા જાય છે, ત્યાં તો કલ્યાણસંગે ઉમેદાનો હાથ ઝાલ્યો : “ઉમેદા ! જામગરી ઓલવી નાખ !”

બેઉ ભાઈ રાવની પાસે જઈ ઊભા રહ્યા.

“કોણ તમે?” બોલતાં જ રાવનો અવાજ ફાટી ગયો.

“અમે કોણ ? નથી ઓળખતો, બાપ ? તેં રાન રાન ને પાન પાન કરી નાખેલ તારા ભાઈ ! ઓળખ્યા કે નહિ ?”

એટલું કહીને બંને જણાએ બુકાની છોડી. સૂસવાતા વાયરામાં બંનેની વાંકડી મૂછો ફરકી રહી.

“આ કોણ ? કલ્યાણ ! ઉમેદા ! તમે આવી પહોંચ્યા ?”

“હા, બાપ ! અટાણે ન આવીએ તો પછી ક્યારે !” કહીને કલ્યાણસંગ કરડું હાસ્ય કર્યું.

“ભલે આવ્યા, કલ્યાણ – ઉમેદા ! બ્રાહ્મણની વાણી સાચી પાડવા ભલે આવ્યા. તમારા મ્યાનમાં પણ વીજળી છે ને ! ખેંચો ભાઈ !”