પૃષ્ઠ:Rasdhar5.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



દીકરાનો મારનાર

અંબા મોરિયા જી,
કે કેસું કોરિયા,
ચિત્ત ચકોરિયા જી,
કે ફાગણ ફોરિયા.


ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા,
ધણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝટે પવ્વન જોરિયા,
ગુલ્લાલ ઝોળી રંગ હોળી રમત ગોપ રમાવણા,
આખંત રાધા નેહ બાધા વ્રજ્જ માધા આવણા !

દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો, અને કોરેમોરે ગામ આખાના હેડીહેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું એટલે લીલા, પીળા ને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણાં દીપતાં હતાં. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે : ગાંડીતૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું – અને એમાંય ગામડાની ધૂળેટી : કાળો કોપ !

“એલા ભાઈઓ ! કો’ક ઊજળે લૂગડે મે’માન વયો આવે.” એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. ત્યાં તો સહુ ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ.

“એલા મે’માનને કોઈ છાંટશો મા !” બીજાએ મર્મમાં કહ્યું.

26