પૃષ્ઠ:Rasdhar5.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરાનો મારનાર
27
 

 “અરે, મે’માનને તે કાંઈ રોળ્યા વગર રહેવાય ! મેમાન ક્યાંથી હાથ આવે ?”

“સાચું ! સાચું... મે’માનને રોળો ! ગોઠ્ય માગો.... રોળો !” એવા રીડિયા ઊઠ્યા, અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી.

ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેડિયું : પગને કાંઠે ત્રણ-ત્રણ ડોરણાંવાળી પકતી ચોરણી : ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ : અને બગલમાં દબાવેલી એક ફાટેલતૂટેલ મ્યાનવાળી તરવાર : કેડે કોઈક કાળાંતરની જૂની કટારી : એવો દાઢીમૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મૉરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો, કેસૂડાંનાં ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણીનો જરાય હુલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઊઠ્યો કે “મને રોળશો મા ! ભલા થઈને મને છાંટશો મા ! તમારે પગે લાગું !”

પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઊલટાની વધુ ચાનક ચડી. બમણાત્રમણા ચડે ભરાઈને સહુ બોકાસાં પાડવા લાગ્યાં : “હાં ખબરદાર ! મે’માનને ઓળખાય જ નહિ એવા વહરા ચીતરી મેલો ! લાવો મશ ને ગારો.”

જોતજોતામાં તો ધૂળ ઊડવા મંડી ઘેરૈયાએ એકસામટી ઝપટ કરી. મહેમાન તો ‘જાળવી જાવ !’ ‘જાળવી જાવ !’ કરતો પાછો હઠવા લાગ્યો. પણ જુવાનો ‘આંબુ આંબું !’ થઈ રહ્યા, એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તરવાર કાખમાં દબાવી હતી તે એમ ને એમ મ્યાન સોતી આડી વીંઝવા માંડી. ઘરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય : પોતે બબ્બે કદમ પાછો હઠતો જાય ને ‘રે’વા દ્યો !’ ‘રે’વા દ્યો !’ કરતો જાય. ધૂળની ડમરી ઊડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયારમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તરવારનાં ઝાવાં અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું.