પૃષ્ઠ:Rasdhar5.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


“કુંવરને તેં માર્યો ?”

“ઈશ્વર જાણે !” ચારણે આભ સામો હાથ કર્યા : “મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચીથરાં પહેર્યાં હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લૂગડાંની એક કોરી જોડ્ય હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોળવા આવ્યા. મેં એમાંથી ઊગરવા મ્યાનમાં બીડેલી તરવાર વીંઝી મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી.”

આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તરવારો, તો કોઈના હાથમાં સાંબેલાં. દ્યો ! દ્યો ! દ્યો ! એવો દેકારો બોલતો આવે છે.

ભાળતાં જ ચારણે ફાળ ખાધી. મંદોદરખાને રોઝડીને માથેથી રાંગ છાંડી, પોતાની તરવાર આધેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો : “ગઢવા, આંહીં આવ. આ લે.”

“શું ?”

“આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ.”

“શું બોલો છો ?”

“ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું ? આ ગામ હલક્યું છે, અને તેં એના કુંવરને મારી નાખ્યો છે. આવ્યા ભેળા તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા જાણજે –”

“અરે, પણ ભાઈ – તમે !”

"હું ! મારી ઓળખાણ અટાણે નહિ, પછી. અટાણે તો ભાગી નીકળ, નીકર તારાં છોકરાં રઝળી પડશે અને ગામલોકો તામાં ને તામાં રોક્યાં રહેશે નહિ.”

“પણ, બાપ, તારું નામ –”

"અરે નામ ખુદાનું !” કહીને મંદોદરખાન દોડ્યો. ચારણને બાવડે ઝાલીને રોઝડી પર બેસાર્યો ચોકડું હાથમાં આપીને વાંસેથી રોઝડીને ડચકારી.

પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોતજોતામાં તો અલોપ થઈ.