પૃષ્ઠ:Rasdhar5.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરાનો મારનાર
૩૧
 


મંદોદરખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોઝડી નથી, કાખમાં તરવાર નથી. ગામલોકોએ દોડીને પૂછ્યું : “કાં, બાપુ ?”

“માળો લોંઠકો આદમી ! મને જીતવા ન દીધો, ને તરવાર ને ઘોડી બેઉ લઈ ગયો !”

“અરે, રાખો રે રાખો, બાપુ !” વસ્તીએ ખિજાઈને કહ્યું : “ફણિધરને માથેથી મણિ લઈ જાય તો જ મંદોદરખાનની રાંગમાંથી રોઝડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો અમને ? સાત ખોટનો એક દીકરો – એના મારાને ઊલટો ભગવ્યો ?"

"લ્યો, હવે જાતી કરો.” દરબારે શાંતિથી જવાબ વાળ્યો.

“જાતી શું કરે ! એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું.”

“ભાઈ !” મંદોદરખાન બોલ્યા: “તમે તે કાંઈ દીવાના થયા ? એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો’તો ? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે, જાણો છો ? કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો. અને દૈવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી ! આપણા કિસ્મતમાં નહિ હોય એટલે ખડી ગયો. પણ એટલા સારુ હું આજ ઊજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું ? હાલો, બેટાની મૈયત કાઢીએ.”

હસતે મુખે બાપે દીકરાને દફનાવ્યો.


🐦🙕❀🐦🙕❀🐦