પૃષ્ઠ:Rasdhar5.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હીપો ખુમાણ

કોરી જગન્નાથી જેવા રંગની બે મની ઘોડીઓ ઉપર ચડેલા બે અસવારો ઠેઠ ચોરા સુધી ચડીને ચાલ્યા આવે છે એ જોઈને કરિયાણા ગામને ચોરે બેઠેલ આખા દાયરાને અચંબાનો પાર રહેતો નથી. જીવા ખાચર જેવા આબરૂદાર ગલઢેરાની આઈનું કારજ. અને કાણ્યે આવનાર કાઠી ઠેઠ ચોરા સુધી ઘોડે ચડીને ચાલ્યો આવે ! પાદરમાંથી જ ઊતરી જઈને માથે પછેડી ઢાંકી કાણ કરતા પગપાળા આવવું જોઈએ એને બદલે આ બે અસવારો રાંગમાં ઘોડીઓને રમાડતા રમાડતા જાણે વિવાહ વાજને આવતા હોય તેમ ચાલ્યા આવે છે !

“દાયરાને રામરામ છે, બા !” એમ કહીને બેમાંથી બુઢ્‌ઢા અસવારે પાઘડી સુધી હાથ ઊંચા કરી પાગડું છાંડ્યું. બીજો અસવાર કે જેને હજુ મૂછનો દોરો ફૂટતો આવતો હતો, તેણે પોતાની ઘોડીની રાંગ છાંડી, વૃદ્ધના હાથમાંથી પણ મોટી ઘોડી લઈ લીધી. બંને ઘોડીઓએ જુવાનના બેઉ હાથમાં હમચી ખૂંદવા, હણહણાટી દેવા અને કાનસૂરીની દોઢ્યો ચડાવવા લાગી ગઈ.

“રામરામ, આપા, પધારો માથે.” એમ બોલીને જીવા ખાચર ઊભા થયા, અને વૃદ્ધ અસવારને ખભે લાંબા હાથ કરી આદર દીધો.

“હીપા!” વૃદ્ધ જુવાન અસવારને સૂચના કરી : “બેય ઘોડિયુંને સમાયે બાંધીને તું પાસે રે’જે હો. રેઢી મેલતો નહીં.”

“અરે, હા હા !” કહી જીવા ખાચરે પોતાના માણસોને હુકમ કર્યો : “જાવ, ભાઈ, આપાની બેય ઘોડિયુંને ઠાણમાં બંધાવો ! અને ઘોડિયું પંથ કરીને આવે છે, ઘેર રાતબ દેવાની ટેવ હોય, એટલે ઘી-ગળની રાતબ ખવરાવો; આપણી મોટી કોઠીમાંથી ખાવા સારુ રાખ્યો છે તે લીલો બાજરો

32