પૃષ્ઠ:Rasdhar5.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીપો ખુમાણ
37
 

 સાંભળતાં જ હીપો ચોંક્યો. બટકું હાથમાં જ થંભી રહ્યું. અને રાતીચોળ મુખમુદ્રા કરીને આઈએ પૂછ્યું : “શું છે તે ?”

“બીજું શું હોય ? વછેરીએ ચડીને ગલઢેરો ગામતરાં કરશે એટલે ગામેગામને ચોરેથી કાઠી-દાયરો મહર કરશે.”

“શું મહર કરશે?”

“આંગળી ચીંધાડીને કે’શે કે આની માને ચોર લઈ ગયા.” અને ગલઢેરો કજિયો કરવા ઊઠશે, તો કહેશે કે “અમે તો આ વછેરીની માની વાત કરતા હતા.” એમ નામ દેશે વછેરીની માનું, અને ગાળ પડશે તમને ! માટે જો એવી ગાળ્યું ખાવી હોય તો ભલે હમણે ઘોડીને ગોતવા ગલઢેરો નૉ જાય !”

“રામ !” કહીને હીપાએ હાથમાંથી પહેલું બટકું પડતું મૂક્યું. હાથ ધોઈને એણે માતાને કહ્યું : “માડી ! હવે કાંઈ બોલો તો મારું લોહી ! હું હવે ખાવા નહિ રોકાઉં, તમારી ભત્રીજીની વાત સાચી છે.”

યુવાન કાઠિયાણી ટોડલો ઝાલી અને લાંબા છટાદાર ઘૂમટા આડે એવું ને એવું ગરવું મોં રાખી તેમના ખંભ-શી ઊભી રહી. સાસુજીની બે ભમ્મરો ખેંચાઈને ભેગી થઈ ગઈ. અને અન્નદેવતા સામે હાથની અંજલિ જોડીને અઢાર વરસનો દીકરો ઊભો થઈ ગયો. એણે વછેરીને છોડી, ફક્ત ચોકડાભર રાંગ વાળી, સાથળ નીચે એક તરવાર દબાવી ને ખોળામાં એક કામળો લીધો. અને ખરે મધ્યાહ્ને કરિયાણાને માર્ગે વછેરીને ચડાવી.

સંધ્યાની રૂંઝ્યો વળી તે વખતે હીપો કરિયાણાના ઝાંપામાં દાખલ થયો. ડેલીએ જાય ત્યાં જીવા ખાચર પચીસેક કાઠીઓની વચ્ચે વીંટાઈને બેઠા છે. ઘોડીએથી ઊતરીને હીપાએ દરબારને રામરામ કર્યા.

“આવો, જુવાન, કેવા છો ?”

“કાઠી છું.”

“ઠીક, કાઠીભાઈ, બેસો.”

પોતાની ઘોડીની સરક હાથમાં ઝાલીને હીપો ચોરાની કોરે થાંભલીને ટેકો દઈ બેસી ગયો. જીવા ખાચરે પ્રથમ દાઢ ભીંસીને પ્રશ્ન પૂછ્યો તે પૂછ્યો, પછી પરોણાની સામે પણ ન જોયું. હોકો પિવાતો પિવાતો એક