પૃષ્ઠ:Rasdhar5.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
52
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

તમે આ બધા માણસોને લઈ સાણામાં દાખલ થઈ જાઓ. હું ચાંપાભાઈને ઠેકાણે પાડું છું.”

હીપા ખુમાણે અને બીજા બહારવટિયાઓએ કૂચ કરી મેલી અને આંહીં, સૂરગે ચોફાળની ખોઈ કરી, એમાં ચાંપાની લાશ સુવાડી, અને બેય ઘોડીઓ ઉપર ચાંપાની લાશ નાખી, ઘોડીઓને દોરતો દોરતો જોગીદાસ ખુમાણની આંબરડીએ લઈ ગયો. પાદરમાં જ લાશ ઉતારી, એક કાઠી ઊભેલો હશે તેને કહ્યું : “ભાઈ, લાખા ખુમાણને કહેજો કે મારા ભાઈ ચાંપાનું મડદું તમને ભળાવી જાઉં છું. બને તો દેન દેજો, નીકર ઓઘામાં નાખીને ફૂંકી દેજો. મારી વાંસે વાર હાલી આવે છે એટલે હું એનો સગો. ભાઈ થાઉં છું તો પણ જાઉં છું.”

નાનેરા ભાઈની લાશને પારકે પાદર પ્રભુને ભરોસે મેલીને સૂરગ સાણા તરફ ચાલતો થયો અને બીજી બાજુ સૂરજનાં કિરણો ચડતાં તો આંબરડીનો ખુમાણ દાયરો પાદરે આવીને એંશી માણસે હાજર થયો. સમાચાર સાંભળીને લાખો ખુમાણ બોલ્યો : “અરે વાત છે કાંઈ ? ચાંપા ખુમાણ જેવા કાઠીને ઓઘામાં ફૂંકાય ! લ્યો ઝોળી, દરબારગઢમાં ડેલો કરવો છે."[૧]

ઢોલિયા ઉપર ચાંપાના શબને સુવાડી, ઉપર કિનખાબ ઓઢાડી, ચાંપાને દહન કરવા આંબરડી ગામનું નાનુંમોટું પાંચસો માણસ નીકળ્યું. સહુ સ્મશાને પહોંચ્યા છે, ચિતા ખડકાય છે, ચાંપા સરખો વીર મર્યાનો વિલાપ ચાલે છે, ત્યાં પાલીતાણાની વારે સ્મશાનને વીંટી લીધું.

“લાવો અમારા ચોરને !” જમાદારે પડકારો દીધો.

“ભાઈ જમાદાર!” લાખા ખુમાણે મક્કમ અવાજે ઉત્તર દીધો : “તમારો ગુનેગાર તો એનો જીવ હતો, એનો દેહ નહિ. એ ગુનેગાર તો હવે ચાલ્યો ગયો છે. તેમ છતાં પણ જો તમારે મન હોય તો થાવ તૈયાર. અમે છીએ એટલા કપાઈ જઈએ. પછી ખુશીથી તમારા ચોરને પાલીતાણે લઈ જજો.”


  1. 1. શબને સ્મશાને લઈ જવાની કાઠી કોમની આ વિધિને ‘ડેલો કરવો’ કહે છે.