પૃષ્ઠ:Rasdhar5.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીપો ખુમાણ
53
 

 “ના, ના, અમે લડવા નથી આવ્યા. અમારે તો દરબાર સાહેબનો હુકમ છે કે પાલીતાણાને ખરચે ચાંપા ખુમાણને દેન દેવું છે, માટે માગણી કરીએ છીએ.”

“તો પછી આંહીં પણ પાલીતાણાનો જ પ્રતાપ છે. આભડવા આવ્યા હો તો ઊતરો હેઠા.”

પાલીતાણાની ફોજે પણ ફાળિયાં પહેરી આભડવામાં ભાગ લીધો. એ રીતે ચાંપો ખુમાણ પોતાની આણાત કાઠિયાણીને છેલ્લા જુવાર કરીને પોઢી ગયો.


સાણાને ડુંગરે હીપાને ચિત્તભ્રમ ઊપડ્યો છે. ગારિયાધારની લૂંટનો તમામ માલ વહેંચી દઈને પોતાની સાથેના પગારદારોને હીપા ખુમાણે રજા આપી દીધી છે. બાપ અને દીકરો બે જ, માણસના પ્રેત જેવા, ડુંગરે ડુંગરમાં આથડે છે. બેમાંથી કોઈ કોઈની સાથે બોલતું નથી.

ચોક-હાથસણીના વંકા ડુંગરામાં એક રાતે બાપ-દીકરો છાનામાના સૂતા છે. અંધારે જેટલાં ઝાડવાં એટલા ચાંપા દેખાય છે. જેટલા ડુંગરા એટલી ચિતાઓ બળે છે. ઝાડની ડાળીઓ પવનને સુસવાટે કડકડ અવાજ કરે છે.

એ વખતે હીપો ઊઠ્યો સૂરગની પથારી સામે નજર કરી. લપાતો લપાતો પોતાની ઘોડી છોડી અસવાર થઈ ચાલી નીકળ્યો. સૂરગ પણ ક્યાં સૂઈ ગયો હતો ? એ પણ ઊઠ્યો, ચડ્યો ઘોડીએ, અને બાપની પાછળ થોડું થોડું છેટું રાખતો ચાલ્યો.

ચાલ્યા જાય છે, બસ ચાલ્યા જાય છે, આખી રાત ચાલ્યા જ જાય છે. ઘોડીઓ પણ પોતે ક્યાં જાય છે તેની કશી ગમ વગર, ખોંખારો ખાધા વગર ચાલી જાય છે.

ભળકડું થયું ને અસવારો શેત્રુંજાની ઓથમાં પહોંચ્યા. ઘેટી અને પાલીતાણાની વચ્ચે ઘોડીઓ ચાલી જાય છે. પાલીતાણાના ગઢકાંગરા દેખાય છે, તોપણ હીપો અટકતો નથી. એટલે પડખે ચડીને સૂરગે બાવડું