પૃષ્ઠ:Rasdhar5.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
54
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

ઝાલ્યું. હાથ હડબડાવીને પૂછ્યું : “આમ ક્યાં જાઓ છો ?”

“તું કેમ આવ્યો ? તારું કામ નથી. પાછો જા !”

“અરે, બાપુ, પાછો તે શે મોંએ જાઉં ? પણ આમ તો જુઓ ! પાલીતાણાનો દરબારગઢ કળાય. હમણાં વાર વીંટી લેશે.”

“મારે પણ દરબારગઢનું કામ છે.”

“શું કામ છે ?”

“ગઢની ડેલી વચ્ચે મારો રણસંગો મંડાવવો છે.”

“ઠીક, હાલો.”

અંધારામાં બેઉ અસવારો જઈને પાલીતાણા ગઢના બંધ દરવાજા પાસે ગઢની ઓથ લઈ ઊભા છે. ત્યાં ડેલીએ સવાલ-જવાબ સાંભળ્યા.

“એ ભાઈ દરવાન ! ઉઘાડ ને !” બહારથી એક ગાડીવાન મુસાફરી આજીજી કરે છે.

“અટાણે નહિ, દી ઊગવા દે.” અંદરનો સંત્રી કહે છે.

“ભલો થઈને –"

“ના, ભાઈ, તારો બાપ હીપો ખુમાણ ભાળ્યો છે ?”

“આ એક હીપો ખુમાણ સાલો –”

એવી બેચાર ગાળોના શબ્દ સાંભળતાં જ સૂરગે છલંગ દીધી. તરવારનો એક ઝાટકો, અને ગાડીવાળાનું શિર ઉપાડી લીધું. ગોકીરો થયો. દરવાજા ઊઘડ્યા, બીંગલ ફૂંકાણું. ચડો ! ચડો ! ચડો ! એવા ચસકા થયા.

હીપો અને સૂરગ ભાગ્યા.

“સૂરગ ! તેં ગજબ કર્યો ! મારું મૉત બગાડ્યું ! મારે આજ મરવું હતું તે સાચું, પણ પાલીતાણાના દરબારગઢની ડેલી વચ્ચે મારો રણસંગો મંડાવવો હતો. પાલીતાણાનો ટીંબો તપે ત્યાં સુધી મારે એની છાતી માથે ઊભા રહેવું હતું. બાપ સૂરગ ! બહુ અધીરો થઈ ગયો ! આજ આપણે કૂતરાને મોતે મરવું પડશે, ભાઈ !”

સૂરગના મનમાં પણ વિમાસણનો પાર ન રહ્યો. બન્ને અસવારો પૂર પાટીએ ઘોડીઓ ફેંક્યે જાય છે અને પાછળ પડકાર કરતી વાર લગોલગ આવી પહોંચી છે. ચાર-પાંચ ગાઉનો પંથ કાપ્યો ત્યાં શેત્રુંજી આડી પડેલી