❀
ભીમો ગરણિયો
મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂડિયું વરણ : ઘોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે, પણ આયરનો દીકરો ગામને ટીંબે ઊભો રહીને ખરેખર રૂડો દેખાય. એવો જ રૂડો દેખાણો હતો એક ગરણિયો : આજથી દોઢસો વરસ ઉપ૨ : સાતપડા ગામને ટીંબે.
સાતપડાને ચોરે મહેતામસુદી અને પગીપસાયતા મૂંઝાઈને બેઠા છે. શું કરવું તેની ગમ પડતી નથી. પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી આજ પોતાના નવા ગામનાં તોરણ બાંધવા આવ્યા છે. એટલે ના પણ કેમ પડાય ?
“બીજું કાંઈ નહિ”, એક આદમી બોલ્યો : “પણ નોખાંનોખાં બે રજવાડાંનાં ગામ અડોઅડ ક્યાંય ભાળ્યાં છે ? નત્યનો કજિયો ઘરમાં ગરશે.”
“પણ બીજો ઉપાય શો ! એના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે, એની કાંઈ ના પડાય છે ?” બીજાએ વાંધો બતાવ્યો.
“અરે બાપુકી શું, સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈએ; ગામ ગામ વચ્ચેના સંપ સાટુ શું પાલીતાણાનો ધણી આટલો લોભ નહિ છોડે ?”
“હા જ તો ! હજી કાલ સવારની જ વાત : સધરા જેસંગની મા મીણલદેએ મલાવ સરોવર ખાંડું થાતું’તું તોય, વેશ્યાનું ખોરડું નહોતું પાડ્યું.”
“અને આપણે ક્યાં જમીનનાં બટકાં ભરવા છે ? ફક્ત ગોંદરા-વા જમીન મેલી દિયે, એટલે બેય ગામ વચ્ચે ગોંદરો કરશું. બિચારાં પશુડાં પોરો ખાશે, વટેમાર્ગુ વિસામો લેશે અને વળી કજિયોકંકાસ નહિ થાય.”