પૃષ્ઠ:Rasdhar5.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો ગરણિયો
57
 

 “પણ ઈ સાવજને કોણ કે’વા જાય કે તારું મોઢું ગંધાય છે ?”

“મે’તો જાય, બીજું કોણ ?”

લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો વળી ગયો. એણે જવાબ દીધો કે “એ મારું કામ નહિ, ભાઈ ! તમે સહુ પસાયતાઓ જઈને મારા નામે દરબારને સમજાવો.”

“તો ભલે, હાલો !” કહેતા પસાયતા ઊભા થયા; પાદર જાય ત્યાં પ્રતાપસંગજી ઢોલિયો ઢળાવીને બેઠેલા... પાલીતાણાનું ખોરડું ગાંડું કહેવાય છે, તેનું સાક્ષાત્ પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઈ હાલીમવાલી તો મીટ માંડી શકે નહિ. એવો તાપ ઝરે છે. બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે: “હાં ! ભરતર કરીને નાખો ખૂંટ. અને પછી પાયો દોરી લ્યો ઝટ.”

“બાપુ, રામ રામ !” કહીને નીચા વળી સલામ કરતા પસાયતા ઊભા રહ્યા.

“કેમ શું છે ?” પ્રતાપસંગજીએ તૉરમાં પૂછ્યું.

“બાપ, વહીવટદારે કહેવરાવેલ છે કે જમીન તમારી સાચી, પણ નત્યનો કજિયો નો થાય માટે ગોંદરા-વા જમીન મેલી...”

“મેલી દઉં, એમ ને ?" પ્રતાપસંગજીનો પિત્તો ફાટી ગયો : “લીલાંછમ માથાંનાં ખાતર ભર્યા છે, એ જમીન મેલી દઉં, ખરું કે ? જમીનનાં મૂલ ઈ કાછડો શું જાણે ? જાઓ ઘરભેળા થઈ જાઓ. કહેજો એને કે સીમાડે તો સરપ ચિરાણો'તો[૧], કાછડા !”

ઝાંખાંઝપટ મોં લઈને પસાયતા પાછા ફર્યા. ચોરે જઈ વહીવટદારને વાત કરી. બધા ચોરે સુનસાન થઈ બેઠા. ભાવનગર આઘું રહી ગયું, એટલે ત્યાં સમાચાર પહોંચતાં પહેલાં તો પ્રતાપસંગજી પાયા રોપી દેશે. સહુના શ્વાસ ઊંચા ચડી ગયાં છે.

“પણ તમે આટલા બધા કાંપો છો શીદ ને ? પ્રતાપસંગજી શું સાવઝ-દીપડો છે ? માણસ જેવું માણસ છે. આપણે જઈને ઊભા રહીએ,


  1. જુઓ વાર્તાને અંતે નોંધ.