પૃષ્ઠ:Rasdhar5.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો ગરણિયો
59
 

ગંગાજળિયું ગોહિલ કુળ બેયનું એક જ, અને એક બાપના બે દીકરા આવી માલ વગરની વાતમાં બાધી પડે એવું કજિયાનું ઝાડ કાં વાવો ?”

“હવે ભાઈ, રસ્તો લે ને ! ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે.”

“અરે બાપ !” જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણિયો ટાઢો રહીને ડામ દેતો જાય છે : “શેત્રુંજાના બાદશાહ ! એમ ન હોય. હેડાહેડાનિયું આટકે ત્યારે અગ્નિ ઝરે; વજ્જરે વજ્જર ભટકાય તે વખતે પછી દાવાનળ ઊપડે.”

“આયરડા !!!” પ્રતાપસંગની આંખમાંથી તણખા ઝર્યા.

“બાપુ, તમારે આવું તોછડું પેટ ન જોવે, અને ભાવનગર-પાલીતાણા બાખડે –”

“તે ટાણે તને વષ્ટિ કરવા બોલાવશું.”

“એ ટાણે પછી તેડાવ્યાનું વેળુ નહિ રહે. ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડીએ ડેડકાં બિચારાં ઓવાળે ચડે, બાપુ ! ઈ ટાણે વષ્ટિનો વખત ન રહે. પછી તો જેના ઘર માથે ઝાઝાં નળિયાં –”

“તો પછી તું અમારાં નળિયાં ઉતરાવી લેજે.”

“હું તો અસૂર થયું છે તે રાત રિયો છું. પણ, બાપુ, રે'વા દ્યો.”

“નીકર ! તું શું બંધ કરાવીશ ?”

“ઈ યે થાય !”

“એ-મ !” પ્રતાપસંગજીએ જરીફોને હાકલ દીધી : “નાખો ખૂંટ, ગધેડીઓ ખોદો – આયરડો આવ્યો બંધ કરાવવા !”

ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ડગલું માંડે તે પહેલાં તો ભીમાના મ્યાનમાંથી તરવાર ખેંચાણી. ઉઘાડી તરવાર લઈને ભીમો આડો ઊભો અને જરીફોને કહ્યું : “જોજો હો, ટોચો પડ્યો કે કાંડાં ખડ્યાં સમજજો !”

ઘડી પહેલાંનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતાં તો તાડ જેવડો થયો. જરીફોના પગ જાણે ઝલાઈ ગયા, ઠાકોરની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું: “ત્યાં જ બેઠા રેજો, દરબાર ! નીકર ઓખાત બગડી જશે. હું તો આયરડો છું. મરીશ તો ચપટી ધૂળ ભીંજાશે.