પૃષ્ઠ:Rasdhar5.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
60
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

પણ જો તમારા ગળાને આ કાળકા લબરકો લેશે ને, તો લાખ ત્રાંસળિયું ખડખડી પડશે, શેત્રુંજાના ધણી ! આ સગી નહિ થાય.”

પ્રતાપસંગજીએ આજ જીવતરમાં પહેલી જ વાર સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો. સોળ કળાના હતા, પણ એક કળાના થઈ ગયા. આંખોની પાંપણો ધરતી ખોતરવા મંડી. ત્યાં તો ફરી વાર ભીમો બોલ્યો : “અમારું માથું તો ઘરધણી માણસનું, દરબાર ! ચાળીનો બોકડો મર્યો તોય શું ? પણ સંભાળજો. હાલ્યા છો કે હમણાં ઉતારી લઈશ માથું – ચાકડેથી માટીનો પીંડો ઉતારે એમ.”

ભૂવો ધૂણતો હોય એમ ભીમાનું ડિલ ધ્રૂજી ઊઠ્યું. માણસોએ ભીમાને ઝાલી લીધો. પ્રતાપસંગજી ઊઠીને હાલી નીકળ્યા. બીજે દિવસે ભળકડે ઊઠીને પાલીતાણે પહોંચી ગયા.

આ બાજુથી સાતપડાના વહીવટદારે મહારાજ વજેસંગને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે. એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે ભાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો.

“દરબાર કેમ દેખાતા નથી ?”

“મામા, એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે. બા'રા નીકળતા જ નથી.”

“માંદા છે ?

“ના, મામા, કાયા તો રાતીરાણ્ય જેવી છે.”

“ત્યારે ?”

“ઈ તો રામધણી જાણે. પણ સાતપડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બૂડી છે. વાતું થાય છે કે કોઈક આયરે બાપુને ભોંઠામણ દીધું.”

“ઠીક, ખબર આપો દરબારને, મારે મળવું છે.”

એનું નામ હતું વાળા શામળો ભા. દાઠા તરફના એ દરબાર હતા :