પૃષ્ઠ:Rasdhar5.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો ગરણિયો
63
 

બાંધેલી : કમાડ જેવડી ઢાલ ગળામાં લીધેલી : ને માથે મલોખાં ગોઠવીને ફગ પહેરેલી : વાંસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે.

“અરે, એક અસવાર બાપડો શું કરતો’તો ? એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો. હરણ ખોડાં કરી દે એવી ઘોડીના ડાબા ગાજ્યા, હાથમાં ગણણ...ગણણ...ગણણ સાંગ ફરતી આવે છે. આવતાં જ હાકલ કરી. તાડ જેવડો થયો. “ક્યાં છે દરબારનો સાળો ?” હાકલ સાંભળતાં અસવાર ઓઝપાણા. ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો ઝંપલાવ્યો, પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી. પાટીએ ચડાવ્યો.

લગાફગ...લગાફગ...લગાફગ કરતા ભા ભાગ્યા; દોઢસો ઉજ્જડ મોઢાં ઊભાં થઈ રહ્યાં. ફરડક-હું, ફરડ ! ફરડક-હું, ફરડ ! ફરડક-હું, ફરડ ! એમ ફરડકારા બોલાવતા ભા’ના ઘોડાને પોણોક ગાઉને માથે કાઢી જઈને પછી લગોલગ થઈ ભીમાએ સાંગ તોળી. બોલ્યો : “જો, મારું તો આટલી વાર લાગે. પણ મને અને ભાવનગરને ખોટ્ય બેસે; તું પાલીતાણા - કુંવરનો મામો કે’વા ! પણ જો ! આ તો નહિ મેલું.”

એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી શામળા ભાને માથેથી મલોખાંની ફગ ઉતારી દીધી. સાંગની અણીમાં પરોવાયેલી ફગ લઈને આયર પાછો વળ્યો. કાંધરોટો દેતો નીકળ્યો. દોઢસો અસવારોની ગાંઠ પડી ગઈ છે, પણ કોઈએ તેને છંછેડ્યો નહિ.

શામળો ભા તો પાટીએં ચડી ગયા, તે ઠેઠ ડુંગરામાં દરશાણા.

એક કહેઃ “અરે, બાપાની ફગ ઉપાડી લીધી.”

બીજો કહે: “ઈ તો માથાનો મેલ ગયો.”

ત્રીજો કહે: “ઈ તો મોરલીધર બાપાને છાબડે આવ્યા. ફળ ગઈ તો ઘોળી. માથાનો મેલ ઊતર્યો, બાપા ! વાંધો નહિ. કેડ્યેથી ફાળિયું છોડીને ફેંટો બાંધી લ્યો.”

દીવે વાટ્યો ચડી ત્યારે શામળો ભા પાલીતાણામાં દાખલ થયા. પ્રતાપસંગજી નજર કરે ત્યાં લમણાં ઉજ્જડ દીસ્યાં. મોં પર વિભૂતિનો છાંટોયે ન મળે. ભાએ સલામ કરી.