લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
68
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યો. એનો લીટો પડતો ગયો, તે પ્રમાણે ખૂંટ નખાતા ગયા અને લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેંચણી થતી જોઈને બેય પક્ષો ‘વાહ બાપા ! વાહ મારા દેવતા !’ ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પની પાછળ ચાલ્યા ગયા. સર્પ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે આવ્યો. કેરડાના ઝાડનું એક સુકાઈ ગયેલું અણીદાર ઠૂંઠું પોતાના સામે ઊભું છે. બરછી જેવી ઝીણી એની અણી જોઈને નાગ પળભર થંભી ગયો. અને તરત માણસો બોલી ઊઠ્યા : “હવે શું થાશે ? બરાબર આપણા સરખેસરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુએ વાવેલ. હવે જોઈએ કે દાદો કોને રેહ દેશે.’

આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળતો હોય એમ ફેણ ચડાવીને ઊભો છે. એના અંતરમાં પણ સમસ્યા થઈ પડી કે કઈ બાજુ ચાલું ? જે બાજુ ચાલીશ તે બાજુવાળાની એક તસુ જમીન કપાઈ જશે.

આ એક જ તસુ જમીનનો પ્રશ્ન હતો. છતાં સર્પે નિર્ણય કરી નાખ્યો. પોતે સીધો ને સીધો ચાલ્યો. કેરડાના થડ ઉપર જ ચડ્યો. સીધેસીધો એ ઠૂંઠાની અણી ઉપર ચડ્યો, અણી એની ફેણમાં સોંસરી પરોવાઈ ગઈ. સર્પ જોર કરીને બીજી બાજુ ઊતરવા લાગ્યો. એમ ને એમ પૂંછડી સુધી ચિરાઈ ગયો. લગાર પણ તર્યો હોત તો વહેંચણ અણસરખી કહેવાત.

એનું નામ સીમાડે સર્પ ચિરાણો ! આજ એ માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. અનેક ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા મનાય છે, વર-કન્યાની છેડાછેડી ત્યાં જઈને છોડાય છે.


🐦🙕❀🐦🙕❀🐦