પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
70
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

લીધું કે “કયા ગામના દરબાર છે ?”

“ગોંડળ-ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે.”

“તે શું છે ?”

“ભાઈ ભૂખ્યા થયા છે.”

એટલું જાણીને તુરત જ પટેલ કુંવર તરફ ફર્યો; રામ રામ કરીને કહ્યું કે “બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ પણ ગોંડળનું જ ગામ છે ને ! આંહીં ક્યાં વગડો છે ? સહુને ઘેર ગોંડળનો જ પ્રતાપ છે. પધારો ગામમાં.”

“પણ બાપુ વાટ જોઈ રહેશે”

“અરે, બાપુ, ધુબાકે રોટલા થઈ જાશે. નાડા-વા સૂરજ ચડે એટલે ચડી નીકળજો ને ?”

“સારું, ચાલો ત્યારે.”

તરત પટેલે સાંતી પાછું વાળ્યું. મોખરે પોતે ને પાછળ પચીસ અસવારોનો રસાલો : એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી. ચોપાટમાં ઢોલિયા ઢાળી, માથે ધડકીઓ પાથરી, ગોંડળના કુંવરને બેસાડ્યા. ચૂલો ચાલતો થયો. ભેંસો દોવાઈ ગઈ. દળેલી સાકરની ડબરીઓ ભરાઈ ગઈ. ગોંડળના કુંવરે બે બગાસાં ખાધાં ત્યાં તો પટેલે સાદ કર્યો કે “લ્યો, પધારો બાપુ, બાજઠ માથે.”

કણબીએ ઊલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરની મીઠપભરેલી મહેમાની માણીને કુંવર ઊભા થયા. કોઠો ઠરીને હિમ થઈ ગયો. પોતાની વસ્તીને આવી. હેતાળ અને આવી રસકસભરી જોઈ પોતાને મનમાં મોટી મૉજ આવી ગઈ. મનમાં થયું : “અરે, હું આવતી કાલનો ગોંડળનાં બારસો પાદરનો ધણી આજ જેને ઘરે હાથ એઠા કરું, એની સાત પેઢીનું દાળદર ભુક્કા ન થઈ જાય તો ગોંડળનું બેસણું લાજે ને !’

“પટેલ, ગામના તળાટીને બોલાવો.”

તળાટી વાણિયો આવ્યો.

“તળાટી, દોત, કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો.”

તળાટી કાગળિયો લાવ્યો.

“હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા તે પટેલને ઘેર