પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રખાવટ
71
 

આજરોજ શિરામણ કરવા ગયા તે બદલ કુંકાવાવ ગામને ઓતરાદે પડખે ચાર વાડીના કોસ ચાંદો-સૂરજ તપે ત્યાં સુધીને માટે માંડી દીધાં છે અને તે અમારા વંશવારસોએ પેઢી દર પેઢી પાળવાના છે. ન પાળે એને માથે ચાર હત્યા.”

તળાટી તો લખાવ્યું તેમ લખતો જાય છે. વચ્ચે વચ્ચે માથું ઊંચું કરીને પોતાનાં ભાંગેલ ડાંડલીવાળા ચશ્માંની અંદરથી પટેલની સામે આંખના મિચકારા મારતો જાય છે. પટેલનું મોં આ બધી મશ્કરી દેખીને ઝંખવાણું પડતું જાય છે. એમ કરતાં દસ્તાવેજ પૂરો થયો. તળાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામાંથી રેતી છાંટી ખોંખારો ખાઈ, આગળ ધર્યો અને કહ્યું : “લ્યો બાપુ, મારો મતું.”

પથુભા કુંવરે પોતાની સહી કરી. દાઢ ભીંસીને તળાટી બોલવા લાગ્યો કે “વાહ ! રંગ છે ગોંડળના ખોરડાને ! એ તો એમ જ છાજે ને ! જેને પાણીએ બાપુ હાથ વીછળે એનાં દાળદર તો દરિયાને કાંઠે જ વયાં જાય, ને ! રંગ છે બાપુને !”

વાણિયો બોલે છે અને એને વેણે વેણે પટેલના મુખ પરની અક્કેક કળા સંકેલાતી જાય છે. કુંવરની ભ્રમણા ભાંગવા માટે પટેલ તલપાપડ થઈ રહ્યો છે, પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારી ભોંઠામણ આવશે એવી બીકે પટેલ મૂંગો જ બેઠો રહ્યો. થોડી વાર રહીને કુંવર ઘોડે ચડ્યા. પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને રામ રામ કરી દેરડી ઉપર ઘોડાં હાંકી મૂક્યાં.

“લ્યો, પટેલ, આ ચાર વાડીનો દસ્તાવેજ ઘોળીને પી જજો.” એમ કહીને તળાટીએ સરખી ઘડ્ય વાળી કાગળિયો પટેલને આપ્યો. “લ્યો, સમજ્યા ને, પટેલ, આ દસ્તાવેજ દૂધમાં ડોઈને શિરાવી જાજો.”

પટેલ શું બોલે ? પોતે આખી વાતની મૂર્ખાઈ સમજે છે. પટેલ મૂંગા રહ્યા એટલે તળાટીને વધુ શૂરાતન ચડ્યું.

“ડોઈને પી જાજો, સમજ્યા ને? સાત પેઢી સુધી ચાર વાડિયુંના ઘઉં ચાવજો; સમજ્યા ને ? હા...હા...હા...! જોજો, ગગો ચાર વાડિયુંના કોસ દઈ ગયો ! જાણે બાપાની કુંકાવાવ હશે, ખરું ને ? બાપુ જગા વાળાનું ગામ,