પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
74
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 “પથુભા કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો, ઈ મારોય દીકરો. તું દેતાં ભૂલ્યો. આખી કુંકાવાવ માંડી દીધી હોત તો પણ હું પાળત. ન પાળું તો કાઠીના પેટનો નહિ.”

“અને તળાટી ! તુંને હિંગતોળને શું કહું ? મારા લાખ રૂપિયાના કણબીનું માથું વઢાવવા ઊભો થ્યો છો ? યાદ રાખજે, પગ ઝાલીને બે ઊભા ચીરા કરી નાખીશ ! એલા, પાદર નીકળેલ પરોણાને એણે રોટલો નીર્યો એમાં તારો ગુનો કરી નાખ્યો એણે ? ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છો તો !”

ઠાકોર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા છે ત્યાં જગા વાળાનો કાગળ પહોંચ્યો. કુંવરને પોતાની ભૂલ માલુમ પડી. એણે સામો કાગળ લખ્યો : “શાબાશ, કાકા ! રખાવટ તે આનું નામ ! બાપુએ લખાવ્યું છે કે પેડલા ગામમાં આપણે જમીનનો કજિયો છે તેનો આજથી અંત આવે છે. પેડલા ગામનો ગોંડળનો ત્રીજો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ.”

કુંકાવાવના એ કણબીના વારસો હજુ ઘણાં વર્ષો સુધી એ ચાર વાડીનો કપાળ-ગરાસ ભોગવતા હતા. પણ એજન્સીની મૅનેજમેન્ટમાં એ જમીન ખાલસા કરવામાં આવી કહેવાય છે.


🐦🙕❀🐦🙕❀🐦